
હોંગકોંગના ‘તાઈ પો’ જિલ્લાના રહેણાંક કોમ્પ્લેક્સમાં બુધવારે લાગેલી આગમાં અત્યાર સુધીમાં 94 લોકોના મોત થયા છે, જ્યારે 280થી વધુ લોકો ગુમ છે. આ દુર્ઘટનામાં 76 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. સરકારે આ દુર્ઘટનાની ક્રિમિનલ તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકોની ધ રપકડ પણ કરી છે. આરોપ છે કે તેમણે નિયમો મુજબ સામગ્રીનો ઉપયોગ કર્યો ન હતો, જેના કારણે આ દુર્ઘટના થઈ. કોમ્પ્લેક્સમાં જુલાઈ 2024થી કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે સ્ટાયરોફોમ જેવી જ્વલનશીલ સામગ્રી અને બહાર લાગેલી જાળીના કારણે આગ ઝડપથી ફેલાઈ. આ જ કારણોસર ફ્લેટ્સ અને કોરિડોરમાં આગ ફેલાઈ ગઈ. હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ અધિકારી જ્હોન લી કા-ચિયુએ જણાવ્યું છે કે તમામ પબ્લિક હાઉસિંગ પ્રોજેક્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને વાંગ ફુક કોર્ટમાં લાગેલી આગના કારણોની તપાસ કરવામાં આવશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તમામ લોકોની મદદ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવે જેથી નુકસાન ઓછું થાય.
હોંગકોંગના તાઈપો વિસ્તારમાં વાંગ ફુક કોર્ટ નામની 40 વર્ષ જૂની ઇમારતમાં લાગેલી આગ પાછળ સમારકામ માટે લગાવવામાં આવેલા વાંસને કારણભૂત ગણાવવામાં આવી રહ્યું છે. જોકે, નિષ્ણાતોના મતે, વાંસનું સ્કેફોલ્ડિંગ આગનું એકમાત્ર કારણ નહોતું. ખરેખરમાં પ્લાસ્ટિકની જાળી (નેટ), ફાયર-રિટાર્ડન્ટ ન હોય તેવી શીટ અને બારીઓમાં ઉપયોગમાં લેવાતા સ્ટાયરોફોમના કારણે આગ ઝડપથી ફેલાઈ. ચાઈનીઝ યુનિવર્સિટી ઓફ હોકિંગના આર્કિટેક્ટ રાફેલા એન્ડ્રિઝીએ કહ્યું, “વાંસમાં કુદરતી ભેજ હોય છે, તેથી તે સરળતાથી સળગતો નથી. જો વાંસ સૂકો હોય તો પણ તે પ્લાસ્ટિકની જાળી અને અન્ય સિન્થેટિક વસ્તુઓની સરખામણીમાં ખૂબ ધીમેથી સળગે છે. તાઈપોની આગમાં મોટાભાગે નેટ અને એન્જિનિયરિંગ સામગ્રી જ જવાબદાર લાગી રહી છે.” ભારે પવન અને સળગતા કાટમાળને કારણે જ્વાળાઓ એક ઇમારતથી બીજી ઇમારત સુધી ફેલાતી ગઈ. જ્યારે આગ ભભૂકી ઉઠી, ત્યારે ઘણા લોકોને તેની જાણ પણ ન થઈ કારણ કે સમારકામને કારણે બારીઓ બંધ હતી. આગ ઓલવવા પહોંચેલી ટીમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણા માળ પર તાપમાન એટલું વધારે હતું કે ફાયર ફાઇટર્સ તે જગ્યાઓ સુધી પહોંચી પણ શકતા ન હતા. આ દરમિયાન એક ફાયર ફાઇટરનું મૃત્યુ પણ થયું.
હોંગકોંગમાં લાગેલી ભીષણ આગમાં એક ફાયર ફાઇટર હો વાય-હોનું મૃત્યુ થયું. હો છેલ્લા 9 વર્ષથી ફાયર સર્વિસિસ ડિપાર્ટમેન્ટમાં હતા અને શા ટિન ફાયર સ્ટેશનમાં તહેનાત હતા. આગ લાગવા પર તેઓ બપોરે 3:01 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 3:30 વાગ્યા પછી તેમનો ટીમ સાથે સંપર્ક તૂટી ગયો. અડધા કલાક પછી સાંજે 4 વાગ્યે હો ગ્રાઉન્ડ ફ્લોર પર મળ્યા. તેમનો ચહેરો બળી ગયો હતો. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. હોંગકોંગમાં અત્યાર સુધીની સૌથી ભયાનક આગ 27 ફેબ્રુઆરી 1918ના રોજ લાગી હતી. આ આગ હેપ્પી વેલી રેસકોર્સમાં લાગી હતી. આગ લાગ્યા પછી ત્યાંની ગ્રાન્ડસ્ટેન્ડ (બેસવા માટેનું મોટું માળખું) તૂટી પડ્યું અને 600થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારબાદ 22 સપ્ટેમ્બર 1948ના રોજ વધુ એક મોટી આગ લાગી. આ આગ ડેસ વોઇક્સ રોડ વેસ્ટ પર આવેલા વિંગ ઓનના એક ગોડાઉનમાં થયેલા વિસ્ફોટ બાદ ફેલાઈ હતી. આ દુર્ઘટનામાં 176 લોકોના મોત થયા હતા અને 69 લોકો ઘાયલ થયા હતા. આ બંને દુર્ઘટનાઓ આજે પણ હોંગકોંગના ઇતિહાસની સૌથી દર્દનાક આગ દુર્ઘટનાઓમાં ગણાય છે. આ પહેલા 1948માં પાંચ માળના ગોડાઉનમાં વિસ્ફોટ થયો હતો. તેમાં 176 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ 1962માં શુઈ પો વિસ્તારમાં લાગેલી આગમાં લગભગ 44 લોકોના મોત થયા હતા. જ્યારે, નવેમ્બર 1996માં કોવલૂનમાં ગાર્લે બિલ્ડિંગમાં આગ લાગવાથી 41 લોકો માર્યા ગયા હતા અને 81 ઘાયલ થયા હતા.