- ‘ઝીરો એમિશન’ તરફ ગુજરાત
- ચિંતન શિબિરમાં પ્રસ્તાવ પર ચર્ચા : ગુજરાત સરકારની ‘ગ્રીન ફ્લીટ’ માર્ગદર્શિકા ટૂંક સમયમાં જાહેર થશે
પર્યાવરણની સુરક્ષા અને અશ્મિભૂત ઈંધણનો વપરાશ ઘટાડવાના ઉદ્દેશ્યથી, ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ યોજના બનાવી છે, જે અંતર્ગત રાજ્ય સરકારના તમામ પેટ્રોલ અને ડીઝલ વાહનોને તબક્કાવાર રીતે ઈલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનોને ધીમે ધીમે સરકારી સેવામાંથી દૂર કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા આગામી દિવસોમાં તમામ વિભાગોને મોકલી આપવામાં આવશે. વલસાડ ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરમાં પણ આ પ્રસ્તાવ પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવશે.
રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઈવી પોલિસીમાં અનેક જોગવાઈઓ કરી છે, પરંતુ જાહેર ક્ષેત્રમાં આ નીતિનો અમલ ખૂબ જ ધીમો છે.
વર્તમાન પરિસ્થિતિમાં, મોટાભાગના સરકારી અને મ્યુનિસિપલ વાહનો પેટ્રોલ અને ડીઝલ પર ચાલે છે, જે પ્રદૂષણમાં વધારો કરે છે. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશનો પણ મુખ્યત્વે ફક્ત શહેરી વિસ્તારો પૂરતા જ સીમિત છે, જે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ઈવી અપનાવવામાં અવરોધરૂપ છે.
આ પરિવર્તનના ભાગરૂપે, રાજ્ય સરકાર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને પણ તેની બસોને ઈલેક્ટ્રિક વાહનોમાં ફેરવવા માટે મદદ કરવા વિચારી રહી છે. ખાસ કરીને એવા બસ રૂટ પર જ્યાં ઈલેક્ટ્રિક બસોનું સંચાલન આર્થિક દૃષ્ટિકોણથી અને વ્યવહારિક રીતે શક્ય હોય ત્યાં આ પરિવર્તન અમલમાં મૂકવામાં આવશે. આ પગલું જાહેર પરિવહન વ્યવસ્થાને પણ પ્રદૂષણ મુક્ત બનાવવામાં મદદરૂપ થશે.
સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારની યોજનામાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે: પ્રથમ, તમામ વિભાગો માટે ઈલેક્ટ્રિક વાહનો અપનાવવાના ચોક્કસ લક્ષ્યાંકો નક્કી કરવા. બીજું, જિલ્લા કક્ષાએ ઈવી ચાર્જિંગ ઈન્ફાસ્ટ્રક્ચરનું મોટા પાયે વિસ્તરણ કરવું. અને ત્રીજું, જાહેર પરિવહનમાં ઈલેક્ટ્રિક વ્હિકલનો સફળ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવો. આ સંયુક્ત પ્રયાસો દ્વારા રાજ્ય સરકાર પ્રદૂષણ મુક્ત અને ટકાઉ પરિવહન વ્યવસ્થા ઊભી કરવા માંગે છે.
ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સમાં ગુજરાત કેટલામાં ક્રમે ?
ગુજરાત રાજ્ય પુન:પ્રાપ્ય ઊર્જા (રીન્યુએબલ એનર્જી) ક્ષેત્રે દેશમાં અગ્રેસર સ્થાન ધરાવે છે, તેમ છતાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની બાબતમાં તેનો વ્યાપ હજી મર્યાદિત રહ્યો છે. ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ મુજબ, ગુજરાત હાલમાં 16માં ક્રમે છે, જે તેની ક્ષમતા કરતાં ઓછું પ્રદર્શન દર્શાવે છે. આ આંકડો સ્પષ્ટપણે સંકેત આપે છે કે સરકારી અને ખાનગી ક્ષેત્રના વાહનોને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવા માટે રાજ્યમાં હજી પણ ઘણી મોટી તકો રહેલી છે. આ ક્રમાંકને સુધારવા અને પ્રદૂષણ મુક્ત પરિવહન તરફ ઝડપી ગતિ કરવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂરિયાત છે.