કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન કાર્યવાહી

Spread the love

2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જેને પગલે મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલાં મકાનોને તોડવામાં આવ્યા છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશને કુલ 15 મકાન તોડી પાડ્યા છે. મોટેરા બળદેવનગરનાં 29 જેટલાં મકાનો ટીપી રોડમાં આવતાં હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપીને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યાં નહોતાં. હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઇકોર્ટે નકારી દીધી હતી. સાંજ સુધીમાં 29 મકાન ધ્વસ્ત કરી દેવામાં આવશે. સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક ખૂલશે. આ રોડ પરથી સીધા એક્વેટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે, જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાક તથા કોમર્શિયલ પ્રકારનાં મળી કુલ 29 જેટલાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.
આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું SVP એન્કલેવ બનાવવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખૂલે છે. ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારનાં કેટલાંક મકાનનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે (29 નવેમ્બર) વહેલી સવારથી 4 હિટાચી મશીન, બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલિશનની શરૂ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોનાં મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં. મકાનો ખાલી કરાવ્યાં બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. સવારથી 15 જેટલાં મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરી દેવામાં આવ્યાં છે. આજે સાંજ સુધીમાં તમામ 29 મકાનો તોડી પાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ટીપી રોડ પર આવતા અચેર વિસ્તારના સુભાષનગરનાં મકાનોનું ડિમોલિશન પહેલા કરી દેવામાં આવ્યું હતું, જેથી એ ભાગ ખુલ્લો થઈ ગયો હતો, પરંતુ એકમાત્ર મોટેરાના બળદેવનગરનાં આ મકાનો તોડવામાં આવ્યાં નહોતાં. રહીશો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા, જેના કારણે ડિમોલિશન થયું નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *