
નવી દિલ્હી
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિઝન ફોર સુજલામ ભારત-૨૦૨૫’ વિભાગીય સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્ય સચિવશ્રીઓની ચોથી રાષ્ટ્રીય પરિષદ દરમિયાન રજૂ કરેલા વિઝન અંતર્ગત આ સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં પીવાના પાણીની સુરક્ષા, સ્વચ્છતા, ભૂગર્ભજળ વ્યવસ્થાપન, સિંચાઇ કાર્યક્ષમતા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સમિટનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે જુનિયર કેડરની પણ વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
‘વિઝન ફોર સુજલામ ભારત-૨૦૨૫’ સમિટમાં ગુજરાતના પ્રતિનિધિ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના મિશન ડાયરેક્ટર શ્રી બી.એમ.પ્રજાપતિએ પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે ગ્રે વોટર મેનેજમેન્ટ માટેના રાજ્યના આગવા ‘વેડંચા મોડેલ’નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૧૭ હજારથી વધુ ગામડાઓ છે, જ્યાં ગ્રે વોટર મેનેજમેન્ટ એક મોટો પડકાર છે. જેનો ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂ. ૬.૫ લાખના ખર્ચે ‘વેડંચા મોડેલ’ બનાવવામાં આવ્યું છે. આ મોડેલ કુદરતી રીતે જ વેસ્ટ પાણીને શુદ્ધ કરે છે અને રિયુઝ, રિસાયકલ તથા રિચાર્જનો કન્સેપ્ટને ખરા અર્થમાં સાર્થક કરે છે. શુદ્ધ કરાયેલા આ પાણીનો કૃષિમાં પણ ઉપયોગ કરી શકાય છે તેમજ તેમાંથી ઉત્પન થતાં સ્લરીનાં ઉપયોગથી સેન્દ્રીય ખાતર પણ બનાવી શકાય છે, જે રેવન્યુ પણ જનરેટ કરે છે.
વધુમાં, ડાયરેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, હાલમાં રાજ્યના ૧૫૯ ગામડામાં આ મોડેલને કાર્યરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે ગામોને અન્ય કોઈ મોડેલ અપનાવવું હોય તો તે માટે બીજા મોડેલ પણ બનાવવામાં આવી રહ્યા છે.
આ બે દિવસીય સમિટમાં કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ, ટેકનિકલ નિષ્ણાતો, પંચાયત સભ્યો, એનજીઓ, સેલ્ફ-હેલ્પ ગ્રુપ (SHGs), સમુદાય સંગઠનો તેમજ નેશનલ વોટર ઍવોર્ડ્સ અને જળ સંચય જનભાગીદારી ઍવોર્ડના વિજેતાઓએ ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘વિઝન ફોર સુજલામ ભારત-૨૦૨૫’ સમિટ એકીકૃત આયોજન, સક્રિય સમુદાય ભાગીદારી અને શાશ્વત પદ્ધતિઓ દ્વારા ભારતમાં લાંબા ગાળાની પાણી સુરક્ષા સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે, જે દેશને સુજલામ અને સ્થિર ભારતના સંયુક્ત લક્ષ્ય તરફ વધુ ઝડપી આગળ ધપાવશે. નીતિ આયોગની આ છ વિષયક વિભાગીય સમિટોની શ્રેણી હેઠળ જળ શક્તિ મંત્રાલય રાષ્ટ્રીય જળ ક્ષેત્રના વિષયનું નેતૃત્વ કરે છે, જેમાં સ્ત્રોત ટકાઉપણું, પીવાના પાણીની સુરક્ષા, સ્વચ્છતા, ભૂગર્ભજળ વ્યવસ્થાપન, સિંચાઈ કાર્યક્ષમતા તથા ગ્રામ્ય-શહેરી સમન્વિત જળ વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો સામેલ છે.