ગોંડલના રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો જે પૂર્ણ થઈ ગયો છે. ટેસ્ટ પહેલાં ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ કરવામાં આવી હતી. નાર્કો ટેસ્ટ બાદ કેસમાં નવા ખુલાસા થઈ શકે છે જે બાદ રાજકુમાર જાટ કેસમાં નવો વળાંક આવવાની શક્યતા છે. SIT 15 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે.
મોત હત્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ
મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી.
ગણેશ જાડેજાની સહમતિ, બસ ચાલકનો ઇન્કાર
આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપી હતી, જેના આધારે કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે હુકમ કર્યો હતો. જોકે, રાજકુમારનું જે બસ હડફેટે મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું, તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી નહોતી.
SIT હાઈકોર્ટમાં સોંપશે રિપોર્ટ
બીજી તરફ, આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) માટે આગામી દિવસો મહત્ત્વના છે. SIT 15 ડિસેમ્બરે કેસની તપાસનો પ્રગતિ અહેવાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. આ રિપોર્ટમાં શું નવા ખુલાસા થાય છે અને પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે, તેના પર સમગ્ર રાજ્યના કાયદાકીય અને રાજકીય જાણકારોની નજર ટકેલી છે.
નાર્કો ટેસ્ટ શું છે, પુરાવા કોર્ટમાં કેટલા માન્ય?
જ્યારે પોલીસને લાગે છે કે આરોપી જૂઠું બોલે છે અને તપાસમાં સહયોગ કરી રહ્યો નથી ત્યારે પોલીસ નાર્કો ટેસ્ટની માંગ કરે છે. પણ કોઇ પણ આરોપીની મરજી વિરૂધ્ધ નાર્કો ટેસ્ટ થઈ શકતો નથી. નાર્કો ટેસ્ટમાં પહેલા મેડિકલ તપાસ બાદ જરૂરી દવાઓ આરોપીને આપવામાં આપે છે. જે બાદ અર્ધબેભાન અવસ્થામાં તેને કેસને લગતા જરૂરી સવાલો પૂછવામાં આવે છે. જેનું વીડિયો રેકોર્ડીંગ પણ કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા સિનિયર તબીબો અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવે છે. પણ આ ટેસ્ટના પરિણામો કોર્ટમાં સીધા પુરાવા તરીકે સ્વીકાર્ય નથી. જો કે, જો નાર્કો ટેસ્ટ દરમિયાન મેળવેલી માહિતીના પરિણામે નવા પુરાવા અથવા કેસને લગતી સામગ્રી મળી આવે છે, તો તે ભારતીય પુરાવા અધિનિયમ, 1872 ની કલમ 27 હેઠળ સ્વીકાર્ય છે.
શું હતી ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, ‘ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બંને ઘરે જતા રહ્યા હતા. જોકે, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યારબાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરુ કરી હતી.’
આ દરમિયાન પોલીસને 3 માર્ચ, 2025ના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરુ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.