નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર સત્વરે પુરી પાડી તેમને સુરક્ષિત કરવા એ આપણા સૌની જવાબદારી છે. કોરોનાના પ્રથમ તબક્કામાં ઓક્સિજન બેડની જરૂરિયાત ઓછી પડતી હતી. ત્યારે દર્દીઓને આઇસોલેશન, આઇસીયુ, અને વેન્ટીલેટર સહિતની સુવિધાઓ રાજ્ય સરકારે અસરકારક આયોજન થકી પૂરી પાડી છે. આ બીજા તબક્કાના સંક્રમણ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ આવતા તેની પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવીને નાગરીકોને સારવાર રાજ્ય સરકારે પુરી પાડી છે.
મહેસાણા જિલ્લાના વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે કાર્યરત નૂતન મેડિકલ કોલેજ માટે નવીન ઓક્સિજન પ્લાન્ટ, પ્લાઝમા થેરાપી સેન્ટર સહિત આઇ.સી.યુ ઓન વ્હીલ્સ જેવી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે,કોરોના મહામારીમાં ઓક્સિજન ઉપયોગીતા,અનિવાર્યતા અને તેની જરૂરીયાત આજે નાગરિકોને સમજાઇ છે. ઓક્સિજનની અછત નિવારવા માટે રાજય સરકાર સહિત અનેક દાતાઓનો સહયોગ મળ્યો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ૩૦૦ જેટલા ઓક્સિજન મશીન આપવામાં આવ્યા હતા આ ઉપરાંત અનેક દાતાશ્રીઓ દ્વારા ઓક્સિજન માટે મદદ અપાઇ રહી છે તે માનવસેવાના આ યજ્ઞ માટે અસરકાર નીવડી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે નુતન મેડીકલ જેવી સંસ્થા ઉભી કરવામાં દાતાશ્રીઓનો સહયોગ સહિત સરકાર વતી અનેક પ્રયત્નોને પગલે આજે આ સંસ્થા વટવૃક્ષ બની છે. તેમણે ઉમેર્યું હતું કે કોરોનાની પ્રથમ લહેરમાં રાજ્ય સરકાર દ્વારા કોવિડ માટે હોસ્પિટલો ઉભી કરવી,સંશાધનો લાવવા, લોકડાઉનમાં મદદ કરવી સહિત અનેક વ્યવસ્થાઓ કરી હતી .જ્યારે બીજી લહેરમાં પણ ખાનગી,સરકારી સહિત ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલોને કોરોનાની સારવારની મંજુરી આપી પથારીઓમાં વધારો કરી દર્દીઓને મદદરૂપ થવા અનેકવિધ કામગીરી હાથ ધરાઇ હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઉમેર્યું હતું કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સહિત નુતન મેડીકલ કોલેજનું સંચાલન પ્રકાશભાઇના અથાગ પ્રયત્નોને આભારી છે. કોરોના મહામારીમાં નુતન મેડીકલ કોલેજે વિસનગર,વડનગર,ખેરાલુ,સતલાસણા વિજાપુર સહિત આજુબાજુના અનેક દર્દીઓને કોરોનાથી મુક્ત કરી નવજીવન આપી દર્દીઓના આશિર્વાદ મેળવ્યા છે.
સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે વિસનગર ખાતે આજે ત્રણેય આરોગ્ય સેવાઓનું અનાવરણ કરી જનસેવાનુ અનેરૂ કામ કર્યું છે. વિસનગરની આ સંસ્થાએ સાંકળચંદ દાદાના પથ પર ચાલી જનજન સુધી આરોગ્યની સુખાકારી સુવિધા મળી રહે તે માટે કમર કસી છે.કોરોનાની મહામારીમાં ઓક્સિજન પ્લાન્ટ સહિત આઇ.સી.યુ.ઓન વ્હીલ્સ નાગરિકોને ઉપયોગી બનશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે પ્રમુખ પ્રકાશભાઇ પટેલે જણાવ્યું હતું કે આ મહામારીમાં દાતાશ્રીઓનો સહયોગ મળી રહ્યો હતો. વિસનગર ખાતે ૦૨ કરોડ ૩૬ લાખનું દાન મેળવી આજે ઓક્સિજન પ્લાન્ટ,પ્લાઝમા થેરાપી અને આઇ.સી ઓન વ્હીલ્સ દર્દીઓની સારવાર માટે સેવા ઉભી કરાઇ છે. તેમણે ઉમેયું હતું કે વિસનગર નુતન હોસ્પિટલ દ્વારા કોરોનાની બીજી લહેરમાં ૬૫૦ થી વધુ દર્દીઓને સારવાર આપી સાજા કરાયા છે તેમજ પાંચ હજારથી વધુ કોરોનાના દર્દીઓને હોમ આઇસોલેશન તેમજ ઓપીડી સારવાર પૂરી પડાઇ છે. વિસનગર ખાતે શરૂ થયેલ પ્લાઝ્મા થેરાપી સેન્ટર કેન્સર, સહિત ચેતાતંત્રના તેમજ સંવેદનશીલ રોગો માટે ઉપયોગી બનશે. આ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટ અને આઇ.સીયુ ઓનવ્હીલ્સ આરોગ્યની સુખાકારી સુવિધામાં વધારો કરશે
વિસનગર ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ માં ઓક્સિજન પ્લાન્ટ,પ્લાઝમા થેરાપી સેન્ટર, અને આ.સી.યુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સના આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજ સિંહ ગોહિલ,ધારાસભ્ય અજમલજી ઠાકોર,નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ,અગ્રણી જશુભાઇ પટેલ સહિત દાતાશ્રીઓ તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.