નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાલે યોજાનારી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને લઈ અમદાવાદમાં મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય

Spread the love

ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના ૧૧.૪૦ કલાકે અને મધ્યરાત્રિના ૧૨.૧૦ કલાકે ઉપડશે

બી.આર.ટી.એસ. દ્વારા IND v/s SA T-20 ક્રિકેટ મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ તરફના મુસાફરો માટે વિશેષ બસ વ્યવસ્થા

અમદાવાદ

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને, GMRC એ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે ૬:૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી છે. રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના ૧૧.૪૦ કલાકે અને મધ્યરાત્રિના ૧૨.૧૦ કલાકે ઉપડશે.આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચ ના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.

૧. સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ ₹ ૫૦ રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અથવા સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પરના તેમજ ગાંધીનગર કોરિડોરના સેક્ટર-૧ મેટ્રો સ્ટેશન સુધીના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે.
૨. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિ ના ૧૦:૦૦ વાગ્યા પછી માન્ય રહેશે નહીં.
3. રાત્રિના ૧૦:૦૦ વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે.
૪. સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી અને સેક્ટર-૧ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.
૫. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યે તેમજ સેક્ટર-૧ મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિએ ૧૨:૧૦ વાગ્યે ઉપડશે.

ભારત વિરુધ્ધ દક્ષિણ આફ્રિકા ટી-૨૦ ઇન્ટરનેશનલ આ મેચની ટિકિટૉનું ઓફ-લાઇન વેચાણ તા. ૧૩-૧૨-૨૦૨૫ થી ટિકિટબારી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી સવારે ૧૧:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે મેચની ટિકિટનો દર રૂ|. ૨,૦૦૦/- થી રૂ|. ૮,૫૦૦/- સુધી રાખવામાં આવ્યા છે .

અમદાવાદ ખાતે તા. 19/12/2025 (શુક્રવાર)ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર IND v/s SA T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિ. (BRTS) દ્વારા મેચ દર્શકોની સુવિધા માટે વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેચ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ તરફ આવનજાવન કરશે તેવા અનુમાનને ધ્યાને લઈ, મોટેરા સ્ટેડિયમ નજીકના વિવિધ વિસ્તારોમાંથી વિશેષ બસ સેવા ઉપલબ્ધ કરાશે.

આ યોજના અંતર્ગત મોટેરા ક્રોસ રોડ, સાબરમતી પોલીસ સ્ટેશન સહિતના સ્થળોથી વધારાની બસ સેવાઓ શરૂ કરવામાં આવશે. કુલ 36 વધારાની બસો મેચના દિવસ દરમિયાન સંચાલિત કરવામાં આવશે, જેમાં સવારના 6:00 કલાકથી રાત્રિના 11:00 કલાક સુધી સેવા ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ દર્શકોને મોટેરા સ્ટેડિયમથી વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા માટે વધારાની 10 બસો તૈનાત કરવામાં આવશે. જેમાં ઇસ્કોન–વિસત જંકશન, એલ.ડી./નેહરુનગર–વિસત અને અખબારનગર–વિસત જંકશન જેવા મુખ્ય રૂટનો સમાવેશ થાય છે.મેચના દિવસે ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે ટ્રાફિક પોલીસ, સુરક્ષા અધિકારીઓ તથા સ્વયંસેવકો દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવશે. આમ, દર્શકોને સરળ, સલામત અને સુવિધાજનક પરિવહન સેવા મળી રહે તે માટે BRTS દ્વારા તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *