સ્વજનના ત્વચાદાન અને ચક્ષુદાન થકી માનવતા મહેકાવી: શાહપુરના ચૌહાણ પરિવારનો પ્રેરણાદાયી નિર્ણય
**
અમદાવાદ સિવિલની સિદ્ધિ: સ્કીન બેંક દ્વારા ૨૯મું ત્વચાદાન મેળવી દાઝેલા દર્દીઓ માટે સેવાનું નવું સોપાન સર કર્યું
**
મનોજભાઈના ચક્ષુદાન થકી બે વ્યક્તિઓને મળશે નવી દ્રષ્ટિ
**
સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧૬૨ આંખો અને ૨૯ ત્વચા સહિત કુલ ૧૯૧ જેટલી પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે, જે સમાજમાં અંગદાન પ્રત્યે વધી રહેલી જનજાગૃતિ દર્શાવે છે. ડો. રાકેશ જોષી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ
*

અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય મનોજકુમાર જશવંતસિંહ ચૌહાણના નિધને તેમના પરિવારને ઘેરા શોકમાં ડુબાડી દીધો, પરંતુ આ દુઃખની ઘડીમાં પણ પરિવારે એક એવો નિર્ણય લીધો જેણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મનોજભાઈને અચાનક હૃદયરોગનો હુમલો આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વજન ગુમાવ્યાના આઘાત વચ્ચે પણ તેમના કાકાના દીકરા હર્ષ શાહ અને અન્ય પરિવારજનોએ મનોજભાઈના ત્વચાદાન અને ચક્ષુદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો.
આ નિર્ણય અંતર્ગત સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મનોજભાઈની બે આંખો અને તેમની ત્વચાનું દાન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબોની ટીમે મનોજભાઈના બરડાના ભાગેથી ત્વચા મેળવી હતી. આ દાન માત્ર પેશીઓનું દાન નથી, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિને નવું જીવન અને નવી દ્રષ્ટિ આપવાનો પવિત્ર પ્રયાસ છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ આ સેવાકાર્યની વિગતો આપતા જણાવ્યું કે, હોસ્પિટલમાં સ્કીન બેંક શરૂ થયા બાદ અત્યાર સુધીમાં આ ૨૯મું સ્કીન ડોનેશન છે. મનોજભાઈના પરિવારે આપેલી બે આંખોના દાન સાથે સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧૬૨ આંખોનું દાન મળ્યું છે. આમ, સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ ૧૯૧ જેટલી પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે, જે સમાજમાં અંગદાન પ્રત્યે વધી રહેલી જનજાગૃતિ દર્શાવે છે.
ડો. જોશીએ વધુમાં નાગરિકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે દર્દીના મૃત્યુના ૬ કલાકમાં આંખો અને ત્વચાનું દાન થઈ શકે છે. અમારી ટીમ અમદાવાદ તથા ગાંધીનગરમાં ઘરે આવીને પણ આ દાન સ્વીકારે છે.
પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડાના જણાવ્યા અનુસાર, ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓ માટે સ્કીન ગ્રાફ્ટિંગ આશીર્વાદરૂપ સાબિત થાય છે અને તેનાથી સારવારમાં ખૂબ જ સારા પરિણામો મેળવી શકાય છે. મનોજભાઈના પરિવારે લીધેલા આ નિર્ણયથી કોઈકની અંધારી દુનિયામાં પ્રકાશ રેલાશે તો કોઈક દાઝી ગયેલા દર્દીને નવું જીવન મળશે.
સમાજમાં અંગદાન અને પેશીદાનનો મહિમા વધે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ સ્કીન દાન માટે સ્કીન બેંકના હેલ્પલાઇન નંબર ૯૪૨૮૨૬૫૮૭૫ પર સંપર્ક કરી આ પુણ્યશાળી કાર્યમાં સહભાગી બની શકે છે.