
ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મીડિયા વિભાગનીઅખબારી યાદી જણાવે છે કે, ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહિબજાદાઓ બાબા જોરાવર સિંહ (વય ૯ વર્ષ) અને બાબા ફતેહ સિંહ (વય ૭ વર્ષ)એ ધર્મ, આસ્થા અને માનવતાની રક્ષા માટે મુઘલ શાસનના અમાનવીય અત્યાચાર સામે શીશ ન ઝુકાવી, અડગ રહીને અપ્રતિમ સાહસ અને શૂરવીરતા દર્શાવી સ્વયં નું બલિદાન આપ્યું હતું. તેમના આ અલૌકિક ત્યાગ અને શૌર્યને સ્મરણમાં રાખવા તેમજ દેશની નવી પેઢીને તેમના ક્યારેય ન ભૂલી શકાય તેવા બલિદાનથી અવગત કરવાના ઉદ્દેશ્યથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨માં દર વર્ષે ૨૬ ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ નિર્ણયના અનુસંધાને ૨૬ ડિસેમ્બરના રોજ શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવેના માર્ગદર્શન હેઠળ વીર બાળ દિવસ અન્વયે શહેરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કાર્યક્રમો અંતર્ગત સેકટર ૩૦ સ્થિત ગુરુદ્વારા ખાતે સાહિબજાદાઓના સ્મરણમાં પુષ્પાંજલિ અને કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સરકારી શાળાઓમાં યોજના અનુસાર બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની શૌર્યગાથા અંગે વ્યાખ્યાન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમોમાં શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, સંગઠન અને મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતાં.