કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 28 ડિસેમ્બર રવિવારના દિવસે શહેરીજનોને 330 કરોડના વિકાસકાર્યોની ભેટ મળશે

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ્રર્ન ટ્રંક લાઈન અને સ્ટ્રેચનું લોકાર્પણ અને સનદ અર્પણ કાર્યક્રમ તેમજ ગણેજીની મૂર્તિનું અનાવરણ થશે

અમદાવાદ

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે 28 ડિસેમ્બર 2025 રવિવારના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ અને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.અતિથિ વિશેષ તરીકે મેયર શ્રી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહેશે. આ સિવાય,પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહેશે.

અમદાવાદ શહેરના સર્વાંગી શહેરી વિકાસ,આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ અને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાશે. જેમાં અમદાવાદ શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂ.326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ, આંબલી, શાંતિપુરા થઈ સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 27.304 કિલોમીટર લંબાઈની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

વેસ્ટર્ન ટ્રંક લાઇન પ્રોજેક્ટમાં 1200 એમ.એમ.,1800 એમ.એમ. તેમજ 2400/2500 એમ.એમ.વ્યાસની વિશાળ RCC પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાંથી આશરે 8,125 મીટર લંબાઈની કામગીરી અદ્યતન માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી પૂર્ણ કરવામાં આવી છે. એશિયામાં પ્રથમ વખત 2400/2500 એમ.એમ. વ્યાસની પાઇપ માઇક્રો-ટનલિંગ પદ્ધતિથી સતત લાંબી લંબાઈમાં જમીન સપાટીથી અંદાજે 12 મીટર ઊંડે નાખવામાં આવી છે. સરદાર પટેલ રિંગ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર કોઈપણ પ્રકારની ટ્રાફિક અડચણ ઊભી કર્યા વગર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18 થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.

આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના વણઝરના રહીશોને સરકારશ્રીના મહેસૂલ વિભાગ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલિત પ્રયત્નોથી જરૂરી ચકાસણી પૂર્ણ કરી પાત્ર રહેવાસીઓને સનદ આપવાની કાર્યવાહી કરાશે. આ સનદ વિતરણથી રહીશોને માલિકી હકનો અધિકાર મળશે,જે સામાજિક ન્યાય અને માનવીય દૃષ્ટિકોણનું મહત્વપૂર્ણ ઉદાહરણ બનશે.

આ ઉપરાંત અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ એવા ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના રૂપિયા 4 કરોડના ખર્ચે ત્યાર થયેલા પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. આ પાયલોટ સ્ટ્રેચ અંતર્ગત ફૂટપાથ, સાયકલ ટ્રેક, સ્ટ્રીટ ફર્નિચર, લૅન્ડસ્કેપિંગ, લાઈટિંગ, સાઈનેજ તેમજ પેડેસ્ટ્રીઅન-ફ્રેન્ડલી ડિઝાઇન સાથે માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ માર્ગ વિકાસ પ્રોજેક્ટને ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટે મોડેલ તરીકે અપનાવવામાં આવશે.

એક જ મંચ પરથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સામાજિક ન્યાય અને શહેરી આયોજનના ત્રણેય પાસાઓને આવરી લેતો આ કાર્યક્રમ અમદાવાદ શહેર માટે એક મહત્વપૂર્ણ વિકાસમય માઈલસ્ટોન સાબિત થશે. આધુનિક ટેકનોલોજી, નાગરિક કેન્દ્રિત આયોજન અને માનવીય અભિગમ સાથે કરવામાં આવેલા આ કાર્યો અમદાવાદને વધુ સ્વચ્છ,સુવ્યવસ્થિત અને ભવિષ્યમુખી શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *