પોલીસ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ₹1,21,120ની છેતરપિંડી થવાની ફરિયાદ નોંધાઈ

Spread the love

પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કીમ્બુવા ગામના યુવક સાથે પોલીસ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ₹1,21,120ની છેતરપિંડી થવાની ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધપુરના કોટ ગામના અજીતસિંહ ઠાકોરે પોતે એ.એસ.આઈ. હોવાનું ખોટું ઓળખાણ આપી 112 હેલ્પલાઇન, TRB અને પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.

ફરિયાદ મુજબ, 30 નવેમ્બરે અમદાવાદથી પરત ફરતી વખતે અડાલજ ચોકડી પાસે અજીતસિંહ ફરિયાદીની ગાડીમાં બેઠો હતો.

મુસાફરી દરમિયાન તેણે પોતાની પત્ની પાટણમાં પી.આઈ. હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો અને બાદમાં સંપર્કમાં રહી નોકરી અપાવવાની વાતો કરી.

ઠગબાજે TRB માટે બૂટના નામે ₹1,120 મંગાવ્યા, બાદમાં અમદાવાદ, ગાંધીનગર અને સુરત બોલાવી વહીવટી ખર્ચ, વર્દી અને કીટના બહાને અલગ-અલગ સમયે રોકડ અને ઓનલાઈન રકમ વસૂલ કરી. વિશ્વાસ જળવાઈ રહે તે માટે તેણે પોલીસ કીટ અને બૂટ પણ આપ્યા.

કુલ ₹1,21,120 ચૂકવ્યા બાદ જ્યારે ફરિયાદીએ જોઈનિંગ લેટર અને આઈ-કાર્ડ માંગ્યા ત્યારે વધુ નાણાંની માંગ કરવામાં આવી. શંકા જતા બળદેવભાઈએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે બી.એન.એસ. કલમ 318(2), 319(2) અને 204 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *