લોધિકા તાલુકામાં 1000 પુરુષ સામે માત્ર 797 જ દીકરી, વહાલનો દરિયો ; જામકંડોરણામાં 1000ની સામે 1142 લક્ષ્મી

Spread the love

 

 

 

આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં પુરુષની તુલનાએ સ્ત્રી સવાઈ સાબિત થઇ રહી છે, સરકાર ‘બેટી બચાવો બેટી પઢાવો’ના સૂત્ર સાથે સ્ત્રીભ્રૂણ હત્યાના દૂષણને રોકવા અથાગ પ્રયાસ કરી રહી છે છતાં પણ પુત્ર પ્રાધાન્ય વાળી સમાજ વ્યવસ્થાને કારણે હજુ પણ ગર્ભપરીક્ષણ અને સ્ત્રીભ્રૂણ હત્યાનો સિલસિલો યથાવત્ છે ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સ્ત્રી જન્મદર ઘટીને તળિયે પહોંચી ગયો હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં વર્ષ 2024ની તુલનાએ સરેરાશ સ્ત્રી જન્મદર વધ્યો છે, પરંતુ લોધિકા તાલુકામાં વર્ષ 2025માં 1000 પુરુષોએ માત્ર 797 સ્ત્રીનો જન્મ થયો હોવાના આંકડા સામે આવતા આરોગ્ય વિભાગ ચોંક્યો છે અને ખાનગી રાહે સ્ત્રી જન્મદર ઘટવાના પરિબળો શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં વર્ષ 2024માં સરેરાશ સ્ત્રી જન્મદરનું પ્રમાણ 1000 પુરુષોએ 874 રહ્યું હતું જેમાં સૌથી વધુ સ્ત્રી જન્મદર કોટડાસાંગાણી તાલુકામાં 966 રહ્યો હતો. વર્ષ 2024માં લોધિકા તાલુકો 930 સ્ત્રી જન્મદર સાથે ચોથા ક્રમે રહ્યો હતો. જોકે વર્ષ 2025માં રાજકોટ જિલ્લામાં સરેરાશ સ્ત્રી જન્મદર વધીને 1000 પુરુષોએ 901 થયો છે, પરંતુ લોધિકા તાલુકામાં વર્ષ 2025માં ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે.

ગત વર્ષે 930 સ્ત્રી બાળકોના જન્મ સાથે ચોથા ક્રમે રહેલ લોધિકા તાલુકામાં વર્ષ 2025માં માત્ર 797 સ્ત્રી જન્મદર રહેતા આરોગ્ય વિભાગે ચિંતા વ્યક્ત કરી છે. બીજીતરફ અચાનક જ સ્ત્રી જન્મદર ઘટવાના કારણો શોધવા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પણ તમામ તાકાત કામે લગાડવામાં આવી હોવાનું તેમજ આશાવર્કર તેમજ ફીમેલ હેલ્થ વર્કસ મારફતે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લામાં સ્ત્રી જન્મદરના આંકડાની તુલના

તાલુકો વર્ષ 2024 વર્ષ 2025

જામકંડોરણા 817 1141

પડધરી 924 1002

કોટડાસાંગાણી 966 971

વીંછિયા 841 940

રાજકોટ ગ્રામ્ય 958 924

ઉપલેટા 936 912

ગોંડલ 842 902

જસદણ 872 898

રાજકોટ શહેર 868 907

ધોરાજી 911 899

જેતપુર 847 810

લોધિકા 930 797

કુલ સરેરાશ 874 901

જેતપુર, ધોરાજી અને જસદણમાં પણ સ્ત્રી જન્મદર ઘટ્યો
રાજકોટ જિલ્લામાં લોધિકામાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રી જન્મદર 797 પહોંચી જતા ચિંતાજનક સ્થિતિ છે ત્યારે જેતપુર, ધોરાજી અને જસદણમાં પણ સ્ત્રી જન્મદર ઘટ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. જેતપુરમાં 810, જસદણમાં 898 અને ધોરાજીમાં ચાલુ વર્ષે સ્ત્રી જન્મદર 899 રહ્યો છે.

પડધરી અને જામકંડોરણાએ ખરા અર્થમાં બેટી વધાવી
રાજકોટ જિલ્લામાં વર્ષ 2025માં સરેરાશ સ્ત્રી જન્મદર વધીને 901 થયો છે ત્યારે સમગ્ર જિલ્લામાં જામકંડોરણામાં સ્ત્રી જન્મદર પ્રતિ 1000 પુરુષે 1142 અને પડધરીમાં 1000 પુરુષ બાળકોએ 1002 સ્ત્રી બાળક જન્મ્યા હોવાના આંકડા આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે. જેથી જામકંડોરણા અને પડધરી તાલુકાએ ખરા અર્થમાં બેટી બચાવો સૂત્રને સાર્થક કરી બેટી વધાવી હોવાનું સ્પષ્ટ થયું છે.

સ્ત્રી જન્મદર ઘટવાની બાબત ગંભીર : આરસીએચઓ
રાજકોટ જિલ્લા પંચાયતના આરસીએચઓ ડો.જોશીએ લોધિકા તાલુકામાં સ્ત્રી જન્મદર ઘટવાની બાબતને ગંભીર ગણાવતા જણાવ્યું હતું કે, સ્ત્રી જન્મદર ઘટવા પાછળના તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે. તેમને ઉમેર્યું હતું કે, હાલમાં જિલ્લામાં પીસીપીએન્ડટી એક્ટ અન્વયે કુલ 364 સેન્ટર નોંધાયેલ છે. જેમાં નવા 4 સેન્ટર ઉમેરાતા જિલ્લામાં સોનાગ્રાફી સેન્ટરની સંખ્યા 368 થઇ છે. લોધિકા તાલુકામાં પણ 4 સોનોગ્રાફી સેન્ટર આવેલ હોય તમામ સેન્ટરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.

સ્ત્રી જન્મદર ઘટવા પાછળ પરિવારનો પુત્રપ્રેમ જવાબદાર
સ્ત્રી જન્મદર ઘટવા પાછળ મુખ્યત્વે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાને કારણે લોકોનો પુત્રપ્રેમ હોવાનું ઉમેરતા ભાવનગર મેડિકલ કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપક ડો.જયેન્દ્ર ગોહિલ ઉમેરે છે કે, લોકો ભવિષ્યનું નથી વિચારતા સ્ત્રી જન્મદર ઘટવાથી રાજ્યના કુંવારા યુવાનોને અન્ય રાજ્યમાં પરણવું પડે છે અને લૂંટેરી દુલ્હનના પણ બનાવો મોટાપ્રમાણમાં બની રહ્યા છે ત્યારે તમામ સમાજના આગેવાનોએ પણ જાગૃત બની સ્ત્રીભ્રૂણ હત્યા રોકવા પ્રયાસ કરી સમાજને જાગૃત બનાવવો જોઈએ. ખાસ કરીને સ્ત્રી જન્મદર ઘટે એટલે આપણે ડોક્ટરોને દોષિત માનીએ છીએ તે ભૂલ ભરેલું છે. બાળકના જન્મદાતા એવા માતા-પિતા જ ભ્રૂણ પરીક્ષણ માટે જતા હોય ત્યારે આ સ્થિતિમાં ડોક્ટરને જ દોષિત ગણવા યોગ્ય નથી. સાથે જ સ્થાનિકે જાતિ પરીક્ષણ ન થવાના કિસ્સામાં અનેક દંપતીઓ રાજ્ય બહાર પણ ગર્ભપરીક્ષણ માટે જતા હોવાનું ઉમેરી આવી ચિંતાજનક સ્થિતિને હળવાશથી ન લઈ રાજ્ય સરકારે ઊંડી તપાસ કરી પગલાં ભરવા જોઈએ તેમ ઉમેર્યું હતું. – ડો.જયેન્દ્ર ગોહિલ, નિવૃત્ત પ્રાધ્યાપક, ભાવનગર મેડિકલ કોલેજ, એક્સપર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *