ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇફોઇડનો વિસ્ફોટ : તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી જાનહાનિ થવાની શક્યતા : ડૉ. મનિષ દોશી

Spread the love
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ગાંધીનગર
શહેરના જૂનાં સેક્ટરોમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાવાથી સ્થાનિક દવાખાનાં અને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે. સ્માર્ટ સિટી અંતર્ગત 24 કલાક પાણી આપવાની ગુલબાંગો વચ્ચે નાગરિકોને નળમાં ગંદું અને પીવા અયોગ્ય પાણી મળી રહ્યું છે, જે શાસકો અને વહીવટી તંત્રની નિષ્ફળતા છતી કરે છે તેવો સ્પષ્ટ આરોપ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇફોઇડનો વિસ્ફોટ થયો છે, જેમાં 100થી વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બેદરકારી સામે આવતાં સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા વિસ્તારો રોગચાળાની લપેટમાં આવ્યા છે. તપાસ દરમિયાન પાણી પીવાલાયક ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવા દૂષિત પાણી પીવાથી અત્યારસુધીમાં 16 લોકો મોતને ભેટ્યા છે. ગાંધીનગરમાં તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે.
ગાંધીનગર શહેરના જૂનાં સેક્ટરોમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં વારંવાર પડતા ભંગાણને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદું પાણી ભળતું હોવાની ગંભીર ફરિયાદો ઊઠી છે. પાણી અને ગટરની લાઈનો નાખવાની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળી પાઈપલાઈનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ નક્કર કે અસરકારક કામગીરી જમીન સ્તર પર દેખાતી નથી.
ગુજરાતના લોકોને પીવાના પાણીમાં અશુદ્ધતા અને પ્રદૂષણને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ મુખ્યત્વે ભૂગર્ભ જળમાં કુદરતી અને માનવસર્જિત પ્રદૂષકોને કારણે થઈ રહી છે છતાં ભાજપ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોવાનો સ્પષ્ટ આરોપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું. તાજેતરમાં બાલાસિનોર, કડી, કલોલ, હળવદ, મોરબી, સુરત, પંચમહાલ સહિત અનેક વિસ્તારોમાં પ્રદુષિત પાણીથી અનેક પરિવારો ગંભિર બિમારીમાં સપડાયા હતા. ગુજરાતના ૮૫% એટલે કે ૩૩ માંથી ૨૮ જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ખારાશ (salinity) વધારે છે, જેનાથી પાણી પીવા લાયક નથી રહેતું. ૯૧% જિલ્લાઓ એટલે કે ૩૦ જિલ્લામાં ફ્લોરાઇડનું પ્રમાણ મર્યાદા કરતાં વધારે છે, જે હાડકાં અને દાંતની બીમારીઓ (ફ્લોરોસિસ)નું કારણ બને છે. ૯૭% જિલ્લાઓ એટલે કે ૩૨ જિલ્લામાં નાઇટ્રેટનું પ્રદૂષણ વધારે છે, જે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં ઓક્સિજનની કમીનું જોખમ વધારે છે. ૧૨ જિલ્લાઓમાં આર્સેનિકનું પ્રમાણ વધારે છે, જે ત્વચા, ફેફસાં અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આયર્ન (લોહ)નું વધારે પ્રમાણ ૧૪ જિલ્લાઓમાં જોવા મળે છે, જે પાણીનો રંગ અને સ્વાદ બગાડે છે અને આરોગ્યને અસર કરે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રના પાણીનું ઘૂસણખોરી (seawater intrusion) થવાથી ખારાશ વધે છે, ખાસ કરીને સુરેન્દ્રનગર અને કચ્છમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. નાઇટ્રેટ અને અન્ય પ્રદૂષકો ભૂગર્ભ જળમાં ભળે છે.
ઔદ્યોગિક કચરો અને સીવેજના કારણે ભારે ધાતુઓ (heavy metals) અને અન્ય ઝેરી તત્વોનું પ્રદૂષણ વધે છે.બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ફ્લોરાઇડ અને નાઇટ્રેટની સમસ્યા સૌથી વધુ છે. ભૂગર્ભ જળનું વધારે પડતું ઉપયોગ (over-exploitation) થવાથી પ્રદૂષકોની સાંદ્રતા વધે છે અને પાણીનું સ્તર નીચું જાય છે. ગામડાઓમાં હજુ પણ અનેક લોકો અશુદ્ધ ભૂગર્ભ જળ પર આધારિત છે, જેનાથી પાણીજન્ય રોગો (waterborne diseases) વધે છે. જલ જીવન મિશન હેઠળ ટેપ કનેક્શન મળ્યા છતાં, પાણીની ગુણવત્તા (quality) હજુ સમસ્યારૂપ છે.કુદરતી ભૂસ્તરીય કારણોસર (geogenic) ફ્લોરાઇડ અને અન્ય તત્વો કુદરતી રીતે જળમાં ભળે છે. શહેરી વિસ્તારોમાં પણ પાઇપલાઇનમાં લીકેજ અને મિશ્રણથી પ્રદૂષણ થાય છે, જેના કારણે હજારો લોકોને આરોગ્ય સમસ્યાઓ જેવી કે ફ્લોરોસિસ, કિડનીની તકલીફ અને અન્ય રોગોનો સામનો કરવો પડે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *