સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે હવે ખનીજ ચોરી ઉપર દરોડા બાદ હવે ખનીજ માફીઆઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની શરૂઆત કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી થાનગઢ સહિતના વિસ્તારોમાં સતત દરોડા પાડી અને ખનિજ ચોરી અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તે છતાં પણ ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કુખ્યાત ખનીજ માફિયાઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
તૈયાર કરેલું લિસ્ટ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું ને સોંપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં લિસ્ટેડ ગણાતા 88 જેટલા ખનીજ માફિયાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાંને સોંપી અને તમામની તડીપાર અંગે દરખાસ્ત કરવા અંગે જાણ કરવામાં આવી છે અને આ અંગેની તાત્કાલિક પણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા દરખાસ્ત કરવામાં આવે તે પ્રકારની ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા જાણ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં 160 જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના ખાડાઓ પુરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 500થી વધુ ગેરકાયદેસર ખાડાઓ પ્રાંત અધિકારી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે તે છતાં પણ ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી રોજ કરોડો રૂપિયાની સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાલી ચોરી ઝડપાઈ રહી છે પ્રાંત અધિકારી દરોડા પાડે તે છતાં પણ ખનીજ માફિયાઓ દ્વારા અલગ અલગ રીતે ખનીજ ચોરી શરૂ રાખવામાં આવી રહી છે ત્યારે અંતે હવે ખનીજ માફિયાઓ સામે તડીપાર અંગેની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણાએ ચોટીલા સબ ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી, થાનગઢ તાલુકાનામાં જુદા જુદા વિસ્તારોમાં અનેક જગ્યાએ રીઢા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલ, સેન્ડસ્ટોન, ફાયરકલે, સફેદ માટી, રેતીનું ખનન, વહન, સંગ્રહ, વેચાણ કરતા, બાયોડીઝલ સંગ્રહ, વેચાણ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તેમજ સરકારી જમીન ઉપર અનઅઘિકૃત રીતે પાકા બાંઘકામો કરી સરકારી મિલકત 5ચાવી પાડવાના કૃત્યો કરતા કુલ 88 (અઠયાસી) ઇસમોને સામે ગુજરાત પોલીસ એકટ 1951 અંતર્ગત તડીપાર કરવા અંગેની દરખાસ્ત પોલીસ અઘિક્ષકશ્રી સુરેન્દ્રનગર પાસે મંગાવવામાં આવેલ છે.
લિસ્ટેડ 88 જેટલા ખનીજ ચોરોના નામોની યાદી તૈયાર
પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મુળી પંથકમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને અલગ અલગ પ્રકારે ખનીજ ચોરી કરી અને કરોડો રૂપિયાની કમાણી કરી ચૂકેલા અને સરકારની તિજોરી ઉપર કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારા અને સતત દરોડા પાડ્યા હોવા છતાં પણ ખનીજ ચોરી શરૂ રાખનાર લિસ્ટેડ ખનીજ માફિયાઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 88 જેટલા ખનીજ માફિયાઓના નામો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાને સોંપવામાં આવ્યા છે. તમામ ઉપર તડીપાર સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
ત્યારે હવે ખનીજ માફીઆઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં બીજું લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જિલ્લામાં ખનીજ ચોરી અટકે તે માટે ના પ્રયાસો શરૂ કરવામાં આવશે તેવું ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.