
રાજસ્થાનના ભીલવાડામાં એક માતાએ પોતાના બે માસૂમ બાળકોની ધારદાર હથિયારથી હત્યા કરી હતી. બાળકોને મારીને મહિલાએ પોતે પણ ઝેર પીધું છે. મહિલા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. ઘટના રવિવારે સવારે માંડલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુરા ગામની છે. ઘટના સમયે મહિલાનો પતિ ઘરે નહોતો. બાળકોને માર્યા પછી તેણે પતિને ફોન કરીને કહ્યું- ‘મેં બાળકોને મારી નાખ્યા છે.’ જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી લાંબા સમયથી કેન્સરથી પીડિત છે. આ જ કારણે તે પરેશાન રહેતી હતી.
ઘટના માનપુરામાં ટેન્ટનો બિઝનેસ કરતા રાજુ તેલીના ઘરે બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજુની પત્ની સંજુ દેવી (35)એ રવિવારે સવારે દીકરી નેહા (12) અને દીકરા ભૈરુ (7)નું ગળું કાપીને હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ તેણે પતિને ફોન કરીને ઘટના વિશે જાણકારી પણ આપી. તેણે પતિને કહ્યું- મેં બંને બાળકોને મારી નાખ્યા છે. હું પોતે ઝેર ખાઈને મરી રહી છું. હું કેન્સરથી પરેશાન થઈ ગઈ છું. રાજુએ તરત જ તેની જાણ પોતાના પડોશીઓને કરી હતી.
રાજુના કહેવા પર પાડોશીઓ તેના ઘરે પહોંચ્યા, પરંતુ દરવાજા બંધ હતા. તેમણે સંજુ દેવીને ઘણી બૂમો પાડી, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ કેટલાક લોકો છત પર ચઢીને ઘરની અંદર ઉતર્યા. ત્યાં સંજુ તેના બંને બાળકો પાસે બેભાન હાલતમાં મળી. બાળકો લોહીથી લથપથ હતા. તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સંજુને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી છે. ડોકટરોના મતે તેણે ઝેરી દવા પીધી છે.