
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના 1.75 કરોડથી વધુ યુઝર્સનો પર્સનલ ડેટા લીક થઈ ગયો છે. આ માહિતી સાયબર ગુનેગારોના હાથમાં આવી ગઈ છે. એન્ટિવાયરસ સોફ્ટવેર ફર્મ માલવેરબાઇટ્સના રિપોર્ટ અનુસાર, લીક થયેલા ડેટામાં યુઝરનેમ, ઘરનું સરનામું, ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ જેવી વિગતો શામેલ છે. કંપનીએ જણાવ્યું કે આ ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે અને તેનાથી ફિશિંગ અથવા એકાઉન્ટ હેકિંગ જેવા જોખમો વધી શકે છે.
2024માં થયેલી સુરક્ષા ખામીથી ડેટા લીકઃ
માલવેરબાઇટ્સે તેના ગ્રાહકોને ઇમેઇલમાં જણાવ્યું કે આ લીક તેમના રૂટિન ડાર્ક વેબ સ્કેનમાં પકડાયો હતો. આ 2024માં ઇન્સ્ટાગ્રામના API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, જે એપ્સને એકબીજા સાથે કનેક્ટ કરે છે) સાથે સંકળાયેલું છે. કંપનીએ જણાવ્યું કે આ ડેટાથી સાયબર ગુનેગારો યુઝર્સને નુકસાન પહોંચાડી શકે છે.
ભારત સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છેઃ
સ્ટેટિસ્ટા અનુસાર ભારતમાં ઇન્સ્ટાગ્રામના ઓક્ટોબર 2025 સુધીમાં સૌથી વધુ 48 કરોડ યુઝર્સ છે. અહીં ફેસબુક અને વોટ્સએપના પણ 50 કરોડથી વધુ યુઝર્સ છે, જે મેટાનું સૌથી મોટું બજાર છે. લીક થયેલા ડેટામાં ભારતના યુઝર્સની માહિતી પણ હોઈ શકે છે, જેનાથી ભારતીય યુઝર્સ માટે ખતરો વધી શકે છે.
હેકર્સ આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે?ઃ
આ લીક માત્ર ઇન્સ્ટાગ્રામ પૂરતું સીમિત નહીં રહે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે લીક થયેલા ક્રેડેન્શિયલ્સ (લોગિન ડિટેલ્સ)નો ઉપયોગ કરીને હેકર્સ:
ફિશિંગ : તમને નકલી ઇમેઇલ અથવા મેસેજ મોકલીને ફસાવી શકે છે.
એકાઉન્ટ ટેકઓવર: તમારું એકાઉન્ટ હાઇજેક કરી શકે છે.
ક્રેડેન્શિયલ સ્ટફિંગ: જો તમે અન્ય જગ્યાએ (જેમ કે ફેસબુક, નેટફ્લિક્સ અથવા બેંક) પણ તે જ પાસવર્ડનો ઉપયોગ કરો છો, તો હેકર્સ ત્યાં પણ ઘૂસણખોરી કરી શકે છે.
મેટાએ ડેટા બ્રીચના આરોપોને નકાર્યાઃ
મેટાના પ્રવક્તાએ ડેટા બ્રીચની વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે અમે એક સમસ્યાને ઠીક કરી દીધી છે જેના કારણે કોઈ બાહ્ય પક્ષ કેટલાક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પાસવર્ડ રીસેટ ઇમેઇલ મોકલવાની વિનંતી કરી શકતો હતો. અમારી સિસ્ટમમાં કોઈ ડેટા બ્રીચ થયો નથી અને લોકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ સુરક્ષિત છે.