ગાંધીનગર ગિફ્ટ સિટીના બેન્ક કર્મી સહિત બેના ગળા કપાયા,108ની ટીમ દેવદૂત બની

Spread the love

ગાંધીનગરમાં ઉત્તરાયણનો આનંદ અનેક પરિવારો માટે ચિંતામાં ફેરવાયો હતો. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે પાટનગરમાં લોહીલુહાણ ઘટનાઓ સામે આવી છે. જેમાં ગિફ્ટ સિટીમાં નોકરી કરતા એક આશાસ્પદ યુવાન અને મગોડીના એક પ્રોઢનું ગળું કપાયું હતું. જોકે 108 ઇમરજન્સી સેવાની સતર્કતા અને સમયસૂચકતાને કારણે બંનેને નવું જીવન મળ્યું છે.
મૂળ બિહારનો અને ગિફ્ટ સિટીની બેંક ઓફ અમેરિકામાં નોકરી કરતો શોભિત રાજ ગઈકાલે બાઈક લઈને કોબા કમલમ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક ચાઈનીઝ દોરી તેના ગળામાં ફસાઈ હતી, જેના કારણે તેની ગળાની ધોરી નસ કપાઈ ગઈ હતી. અત્યંત ગંભીર હાલતમાં અને વહેતા લોહી સાથે શોભિત નજીકની ગાયનેક હોસ્પિટલ પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા જ 108 ના EMT રવિ ચૌહાણ અને પાયલોટ રાજેશભાઈ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા.
બાદમાં શોભિતની સ્થિતિ નાજુક જોઈ તેને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને 6 ટાંકા લીધા હતા.આવી જ રીતે મગોડીમાં પણ 42 વર્ષીય દલપતભાઈનું ગળું કપાયાની ઘટનામાં 108 એ ત્વરિત કામગીરી કરી હતી.
ઉલ્લેખનીય છેકે ગાંધીનગરમાં સામાન્ય દિવસોમાં 108 પર સરેરાશ 84 જેટલા કોલ્સ આવતા હોય છે, પરંતુ 14 જાન્યુઆરીના રોજ આ આંકડો વધીને 118 પર પહોંચ્યો હતો. જેમાં ટ્રોમા નોન-વ્હીક્યુલર 31 કેસ,પ્રેગ્નન્સી સંબંધિત 20 કેસ,શ્વાસની બીમારી 11 કેસ,હૃદયરોગ 9 કેસ,પેટમાં દુખાવો 13 કેસ,ઝેરી દવા/અગમ્ય બીમારી 16 કેસ સહિતના કેસોમાં 108 ધ્વારા તાત્કાલિક સેવા પુરી પાડવામાં આવી હતી.
આજે વાસી ઉત્તરાયણે પણ 108 એલર્ટ મોડ પર છે.ઇમરજન્સી સેવા 108 દ્વારા વ્યક્ત કરાયેલી શક્યતા મુજબ આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ કોલ્સની સંખ્યામાં વધારો થવાની શકયતા છે.ખાસ કરીને ધાબા પરથી પડી જવાના, વાહન અકસ્માત અને દોરીથી ઇજા થવાના કિસ્સાઓ વધવાની ભીતિ છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એમ્બ્યુલન્સને આયોજન રીતે તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈપણ કટોકટીમાં ‘ગોલ્ડન અવર’ માં દર્દીને સારવાર મળી રહે.108 સેવાએ નાગરિકોને વાહન ચલાવતી વખતે ગળામાં પટ્ટો કે હેલ્મેટ પહેરવા અને ઉંચાઈ પર પતંગ ચગાવતી વખતે સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *