સ્પેનમાં બે હાઈસ્પીડ ટ્રેન સામસામે અથડાઈ, 73 ઘાયલ

Spread the love

સ્પેનના કોર્ડોબા પ્રાંતમાં રવિવારે રાત્રે એક ટ્રેન પાટા પરથી ઉતરીને બીજી ટ્રેન સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 73 મુસાફરો ઘાયલ છે. ન્યૂઝ એજન્સી AP અનુસાર બંને ટ્રેનમાં લગભગ 500 મુસાફરો સવાર હતા. રિપોર્ટ અનુસાર, મલાગાથી મેડ્રિડ જઈ રહેલી ટ્રેન પાટા પરથી ઉતરીને નજીકની લાઇન પર જતી રહી અને ત્યાં મેડ્રિડ–હુએલ્વા રૂટ પર ચાલી રહેલી AVE ટ્રેન સાથે અથડાઈ. સ્થાનિક સ્વાસ્થ્ય મંત્રી એન્ટોનિયો સેંજે જણાવ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે કહ્યું કે રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે અને ઘાયલોને છ અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્પેનના પરિવહન મંત્રીએ કહ્યું કે હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. તેમણે આ ઘટના “ખરેખર વિચિત્ર” ઘટના ગણાવી કારણ કે આ અકસ્માત ટ્રેકના એક સપાટ ભાગ પર થયો હતો, જેને મે મહિનામાં ફરીથી બનાવવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જે ટ્રેન પાટા પરથી ઉતરી હતી તે ચાર વર્ષથી પણ ઓછી જૂની હતી. તે ટ્રેન ખાનગી કંપની ઇરયોની હતી, જ્યારે બીજી ટ્રેન, જે અકસ્માતનો ભોગ બની હતી, તે સ્પેનની સાર્વજનિક ટ્રેન કંપની રેનફેની હતી.
ANIના રિપોર્ટ મુજબ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે ભૂકંપ જેવો આંચકો અનુભવાયો. સ્પેનિશ પબ્લિક બ્રોડકાસ્ટર RTVE ના પત્રકાર સાલ્વાડોર જિમેનેઝ પણ ઇર્યો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ટ્રેનના છેલ્લા બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેમાંથી એક સંપૂર્ણપણે પલટી ગયો. જિમેનેઝના મતે, ટ્રેન સાંજે 6:40 વાગ્યે સમયસર મલાગાથી રવાના થઈ હતી. થોડીવાર પછી અચાનક જોરદાર આંચકો લાગ્યો અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ત્યારબાદ મુસાફરોને હથોડા વડે બારીઓ તોડીને બહાર કાઢવામાં આવ્યા. ઘણા મુસાફરોને બારીઓ તોડીને બહાર નીકળવું પડ્યું. આ દરમિયાન તેમને ઈજાઓ પણ થઈ. કેટલાક મુસાફરોએ ટ્રેનની અંદર ધુમાડો ભરાવાની પણ ફરિયાદ કરી.
સ્પેનની રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી ADIF એ જણાવ્યું કે મેડ્રિડ અને અંડાલુસિયા વચ્ચેની તમામ ટ્રેન સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળે કટોકટી સેવાઓ તૈનાત છે અને રાહત-બચાવ કાર્ય રાતભર ચાલુ રહ્યું. સ્પેનના પરિવહન મંત્રી ઓસ્કાર પુએન્ટેએ કહ્યું કે તેઓ ADIF ના ઓપરેશન કંટ્રોલ સેન્ટરથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બચાવ કામગીરીમાં સ્પેનની સેનાના ઇમરજન્સી યુનિટ્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. રેડ ક્રોસની ટીમો ઘાયલોની સારવારમાં આરોગ્ય અધિકારીઓને મદદ કરી રહી છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *