સફાઇ કામદારની સરભર કરવા માટે લાંચ માંગી હતી: લાંચની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગના આધારે કાર્યવાહી
રજાઓ સરભર કરવા જેવી નજીવી બાબતમાં પણ સરકારી કર્મચારીએ પોતાના જ સાથી પાસે નાણાંની માંગણી કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત વિવિધ સરકારી કચેરીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે.
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદીની રજાઓ રજિસ્ટરમાં સરભર કરી આપવાના બદલામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગડીયલે 2 હજાર રૂૂપિયાની લાંચ માંગી હતી. જોકે, રકઝક બાદ એક હજાર રૂૂપિયા અત્યારે અને બાકીના એક હજાર રૂૂપિયા ત્રણ દિવસ પછી આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ સમગ્ર હેતુલક્ષી વાતચીતનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને પુરાવા સાથે અઈઇમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીના એસપી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં અને મદદનીશ નિયામક જે. ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. સોલંકી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. અટીકા ફાટક પાસે આવેલી વોર્ડ ઓફિસ નજીક જ્યારે જીતેન્દ્ર ગડીયલ ફરિયાદી પાસેથી લાંચના એક હજાર રૂૂપિયા સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો.
વરિષ્ઠ અધિકારીઓના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. સોલંકીની ટીમને મળેલી આ મોટી સફળતાને પગલે ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. એસીબીએ જીતેન્દ્ર ગડીયલની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પાલિકાના પાયાના ગણાતા સફાઈ અને આરોગ્ય વિભાગમાં જ અધિકારીઓની આવી શંકાસ્પદ કામગીરી બહાર આવતા તંત્રની છબી ખરડાઈ છે.