
રશિયાના પૂર્વીય પ્રદેશ કામચાટકામાં આ શિયાળો 30 વર્ષમાં સૌથી ભયાનક સાબિત થઈ રહ્યો છે. એક વાઇરલ પોસ્ટ ભયાનક પરિસ્થિતિને દર્શાવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં 13 ફૂટ (લગભગ 4 મીટર) સુધી બરફ જમા થયો છે. ભારે ઠંડા પવનો સાથે ઊંચા બરફના ઢગલાઓમાં શહેર ફેરવાઈ ગયું છે, જાણે પવને બધો બરફ ભેગો કરી દીધો હોય અને ઊંચા ટાવર બનાવી દીધા હોય. તાપમાન પણ ખતરનાક રીતે નીચા સ્તરે પહોંચી ગયું છે: -5.8°F (લગભગ -21°C) સુધી. ઘણા વિસ્તારોમાં લોકોને રસ્તો બનાવવા માટે બરફમાંથી ટનલ ખોદવા મજબૂર થયા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં બાળકો બરફના મોટા ઢગલા પર સરકતા દેખાય છે.
બીજા વીડિયોમાં ચોથા માળ સુધી બરફમાં દટાયેલી ઇમારતો દેખાય છે. આખો વિસ્તાર સફેદ સમુદ્રમાં ફેરવાઈ ગયો હોય એવું લાગતું હતું. ઘણા વીડિયોમાં વાહનો સંપૂર્ણપણે ગુમ હતા, ફક્ત બરફના ઢગલા દેખાતા હતા. કામચાટકામાં એક ભયાનક બરફના વાવાઝોડાએ ઘણાં શહેરોને સંપૂર્ણપણે બરફમાં દફનાવી દીધા છે. ધ મોસ્કો ટાઈમ્સ અનુસાર, રાજધાની પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કી બરફના ઢગલા અને છત પરથી બરફ પડવાથી ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયા છે. પ્રથમ પુષ્ટિ થયેલા મૃત્યુ બાદ, શહેરના મેયરે બરફ દૂર કરવા અને રાહત કામગીરી માટે વધારાના સંસાધનો એકત્રિત કરવા માટે શહેરવ્યાપી ઈમર્જન્સીની સ્થિતિ જાહેર કરી.
મેયર બેલ્યાયેવે મિલકત વ્યવસ્થાપન કંપનીઓ પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ સમયસર છત પરથી બરફ દૂર કરવામાં નિષ્ફળ ગયા અને વાવાઝોડું પસાર થવાની રાહ જોઈ. ભારે પવન અને સતત હિમવર્ષાને કારણે ઘણી ઇમારતોની છત પર ખતરનાક પ્રમાણમાં બરફ જમા થઈ ગયો હતો, જે અચાનક નીચે પડવા લાગ્યો, જે દરમિયાન ઘણા અકસ્માતો થયા.
રશિયાના ઈમર્જન્સી મંત્રાલયે એક વીડિયો જાહેર કર્યો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે બચાવ કાર્યકરો તેમનાં ઘરોમાં ફસાયેલા વૃદ્ધો સુધી પહોંચવા માટે બરફના ઊંચા ઢગલા કાપી રહ્યા હતા. સતત હિમવર્ષાને કારણે સ્કૂલો બંધ રહી, જાહેર પરિવહન બંધ રહ્યું અને ઘણા વિસ્તારોમાં વીજળી અને સપ્લાય ચેન પર દબાણ વધ્યું છે. કામચાટકામાં માત્ર બરફવર્ષા જ નહીં, પણ છત પરથી પડી રહેલો બરફ, લપસણો રસ્તો, અવરોધિત રસ્તા, ફસાયેલી કાર અને સતત ઘટી રહેલા તાપમાનને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે અને અધિકારીઓ રાહત પ્રયાસો ચાલુ રાખી રહ્યા છે.