ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે આચાર્યનો ચાર્જ સોંપવા અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા નિયમો મુજબ, હવે આચાર્યનો કાર્યભાર સંભાળવાની આનાકાની કરનાર મુખ્ય શિક્ષક કે સિનિયર શિક્ષક સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
અત્યાર સુધી જે શાળામાં HTAT મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર ન હોય, ત્યાં તે જ શાળાના સિનિયર શિક્ષકને ચાર્જ સોંપાતો હતો. પરંતુ હવેના ઠરાવ મુજબ, જે શાળામાં મુખ્ય શિક્ષકની જગ્યા મંજૂર નથી, ત્યાં 10 કિમીના અંતરમાં આવેલી અન્ય કોઈ પ્રાથમિક શાળાના HTAT મુખ્ય શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવશે. જો 10 કિમીની ત્રિજ્યામાં કોઈ પણ શાળામાં HTAT મુખ્ય શિક્ષક ઉપલબ્ધ ન હોય, તો જ તે શાળાના સિનિયર (શ્રેયાન) શિક્ષકને ખાતામાં દાખલ તારીખ મુજબ ચાર્જ સોંપાશે.
ઈન્કાર કરનાર સામે કડક કાર્યવાહી
અગાઉના નિયમોમાં જો સિનિયર શિક્ષક ચાર્જ લેવાની ના પાડે તો તેની પછીના ક્રમના શિક્ષકને જવાબદારી સોંપાતી હતી. જોકે, હવે શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. જો શ્રેયાન શિક્ષક ચાર્જ સ્વીકારવાની ના પાડે, તો તેમને નોટિસ પાઠવી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
દિવ્યાંગ શિક્ષકો અને પગારકેન્દ્ર માટે જોગવાઈ
- દિવ્યાંગ શિક્ષકો: જો શ્રેયાનતાની યાદીમાં પ્રથમ ક્રમે દિવ્યાંગ શિક્ષક હોય અને તેઓ સ્વેચ્છાએ આચાર્યનો ચાર્જ સંભાળવા માગતા હોય, તો તેમને પ્રાથમિકતા આપવાની રહેશે.
- પગારકેન્દ્ર શાળા: આ જ નિયમો પગારકેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં પણ લાગુ પડશે.
- અમલીકરણ: હાલ જેઓ ચાર્જ સંભાળે છે તેઓ યથાવત રહેશે, પરંતુ આગામી સત્રથી ફરજિયાતપણે નવી સૂચનાઓ મુજબ શ્રેયાન શિક્ષકોએ ચાર્જ સંભાળવાનો રહેશે.
નવી માર્ગદર્શિકાના મુખ્ય મુદ્દાઓ:
| ક્રમ | વિગત | નવી જોગવાઈ |
| ૧ | HTAT શિક્ષક ન હોય ત્યારે | ૧૦ કિમીની અંદરના અન્ય HTAT શિક્ષકને ચાર્જ. |
| ૨ | સિનિયર શિક્ષકની પસંદગી | ખાતામાં દાખલ તારીખ મુજબની શ્રેયાનતા. |
| ૩ | જવાબદારીનો ઈન્કાર | કારણદર્શક નોટિસ અને કડક કાર્યવાહી. |
| ૪ | દિવ્યાંગ શિક્ષકો | સ્વેચ્છાએ ચાર્જ લેવાની ઈચ્છા હોય તો પ્રથમ પસંદગી. |