દિલ્હીમાં ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ હતી.
ડૉ. કે. લક્ષ્મણના પ્રેસ સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નીતિન નબીનના પક્ષમાં કુલ 37 પ્રસ્તાવો મળ્યા હતા. પ્રસ્તાવોની ચકાસણી બાદ, બધા ઉમેદવારી પત્રો નિર્ધારિત ફોર્મેટમાં અને માન્ય હોવાનું જાણવા મળ્યું છે.”
આમ, હવે નીતિન નબીન જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે એ સ્પષ્ટ થઈ ગયું છે.
આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જૂ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી અને પૂર્વ મંત્રી રવિશંકર પ્રસાદ સહિતના નેતા પાર્ટી મુખ્યાલયે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે શાહ, રાજનાથસિંહ, ગડકરી અને નડ્ડા ભાજપના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે.
ગ્રીનલૅન્ડ અંગે ટ્રમ્પે કહ્યું: ‘સમય આવી ગયો છે અને એમ જ કરવામાં આવશે’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલૅન્ડ મુદ્દે ફરી એક વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ‘ડેન્માર્ક જે નથી કરી શક્યું, એને પૂર્ણ કરવામાં આવશે.’
ટ્રમ્પે સોમવારે ટ્રૂથ સોશિયલ પ્લૅટફૉર્મ ઉપર લખ્યું, “નાટો છેલ્લાં 20 વર્ષથી ડેનમાર્કને કહી રહ્યું છે કે ‘તમારે ગ્રીનલૅન્ડ ઉપરથી રશિયાના જોખમને દૂર કરવું જોઈએ.’ કમનસીબે, ડેનમાર્ક આ દિશામાં કંઈપણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. હવે સમય આવી ગયો છે અને એ કરવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે ડેનમાર્ક સિવાય યુરોપના સાત દેશોએ ગ્રીનલૅન્ડ સંબંધે અમેરિકાના વલણનો વિરોધ કર્યો છે અને ગ્રીનલૅન્ડમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો છે.
બીજી બાજુ, અમેરિકાએ ફ્રાન્સ, યુકે, જર્મની, ડેનમાર્ક, ફિનલૅન્ડ, નૅધરલૅન્ડ, નૉર્વે અને સ્વિડનના સામાન ઉપર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જેની સામે યુરોપિયન સંઘે અમેરિકા સાથેની વેપારસંધિની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે.
ડેન્માર્કનાં વડા પ્રધાન મેટે ફ્રેડરિક્સને અમેરિકાના ટ્રમ્પના નિવેદનો ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, “યુરોપને બ્લૅકમેલ કરી શકાય એમ નથી.”
ટ્રમ્પ તાજેતરમાં ગ્રીનલૅન્ડને બળજબરીપૂર્વક અમેરિકામાં ભેળવવાની વાત કરી ચૂક્યા છે. જેનો ડેનમાર્ક સહિત યુરોપના અનેક દેશોએ વિરોધ કર્યો છે.
ટ્રમ્પનો તર્ક છે કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ જરૂરી છે.
ટ્રમ્પનું કહેવું છે કે જો અમેરિકા ગ્રીનલૅન્ડને પોતાનામાં સામેલ નહીં કરે તો ચીન અને રશિયા તેની ઉપર કબજો કરી લેશે.
ઉલ્લેખનીય છે કે ગ્રીનલૅન્ડએ ડેનમાર્કનો અર્ધ-સ્વાયત્ત દ્વીપ છે અને તેની પોતાની સરકાર છે.
ગ્રીનલૅન્ડના સમર્થનમાં યુરોપના આઠ દેશોએ સૈન્ય અભ્યાસ કર્યો, સંયુક્ત નિવેદનમાં શું કહ્યું?
Mads Claus Rasmussen / Ritzau Scanpix / AFP via Getty Images
ગ્રીનલૅન્ડનું સમર્થન કરનારા યુરોપના આઠ દેશોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો છે. ડેનમાર્કના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ અભ્યાસમાં ડેનમાર્ક, ફિનલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, નૅધરલૅન્ડ, નૉર્વે સ્વીડન અને બ્રિટન સામેલ થયા હતા.