રાજકોટના વડાલીયા ફુડસ કંપનીના માલિક અને પરિવાર સાથે ૧૦.૯૯ કરોડની છેતરપિંડીકાંડમાં વિજય માકડિયા અને અમિત ભાણવડિયા નામના ચીટરોએ પોતાની ત્રણ પેઢીમાં રોકાણના નામે ૧૨ ટકા ઉંચુ વળતર મેળવવાની લાલચ આપી વડાલીયા પરિવાર તેમજ રાજકોટના નામી ઉદ્યોગપતિઓ, શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ, બિલ્ડરો અને વેપારીઓ સહિત અનેક રોકાણકારોને જાળમાં ફસાવી કરોડોનું મસમોટું કૌભાંડ આચર્યું હતું.
જે અંગે ગુનો નોંધાયા બાદ આરોપીના ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરતા આરોપી અમિત ભાણવડિયા પોપટ બની ગયો હતો અને બન્ને ભાગીદારો એમસીએકસમાં કરોડો હારી ગયાનું કબૂલી પોલીસને ઉંધે રવાડે ચડાવવા કોશિષ કરી હતી.
લોભામણી સ્કીમ આપી મસ્ત મોટો છેતરપિંડી કાંડ કર્યો
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ છેતરપિંડી કાંડમાં આરોપી વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ ૨૦૧૯થી આચરેલ ઠગાઈ કેસમાં પોતાની ક્રશર પેઢી દર્શન મીનરલ પેઢી જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિત સ્ટોન ક્રશર પેઢી નામે ભાગીદારી પેઢીમાં રોકાણકારોને વાર્ષિક ૧૨ ટકાના વળતર સાથે તમે રોકાણ કરેલ મુડી સમયમર્યાદામાં પરત કરીશું. તેમજે પૈસાનું રોકાણ કરશો તે અમે અમારી ત્રણેય ક્રશર પેઢીમાં રોકાણ કરીશું તેવી લોભામણી સ્કીમ આપી આ મસ્ત મોટું છેતરપિંડી કાંડ કર્યું હતું.
પૂછપરછમાં ચોંકાવનારી કબુલાત અમિતે આપી
આ બન્ને ચીટર સામે ઉદ્યોગપતિ દર્શન વડાલીયાની ફરિયાદ પરથી ક્રાઈમ બ્રાન્ચે ચીટર બેલડી સામે ગુનો દાખલ ૮૦ જેટલા ભોગ બનનાર વેપારીઓ ક્રાઈમ બ્રાન્ચ ખાતે દોડી ગયા હતા. જેઓની લેખિત ફરિયાદ અરજી અને તેની સાથે કેટલું ફ્રોડ કર્યું છે તે અંગેની વિગતો ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી પીઆઇ ચિરાગ જાદવ અને ટીમે મેળવી હતી.
બીજી તરફ આરોપી અમિત ભાણવડિયાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હોય જેની પૂછપરછમાં ચોંકાવનારી કબુલાત અમિતે આપી હતી.
મોટાભાગના નાણા મિલકતોમાં ફસાઈ ગયા
જેમાં તેના મોટાભાગના નાણા મિલકતોમાં ફસાઈ ગયાનું તેમજ બંને ભાગીદારો એમસીએકસ જુગારના શોખીન હોય કરોડો રૂપિયા જુગારમાં ગુમાવ્યાની પણ કબુલાત આપી હતી. તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જાદવ અને ટીમે અમિત ભાણવડિયાના તમામ પ્રકારના વહીવટની જાણકારી રાખનાર સીએ કાલરીયા તેમજ અન્ય ૧૦ જેટલા ભાગીદારો તેમજ ઓફિસ કર્મચારીઓને તેડું મોકલ્યું હતું. જેઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
વિજય માકડિયાની શોધખોળ
ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ પીઆઇ જાદવ અને ટીમ દ્વારા અમિત અને વિજયની ભાગીદારી પેઢીના તમામ દસ્તાવેજો તેમજ લેતી દેતી અંગેનું સાહિત્ય અને રિટર્ન સહિતના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભાગીદાર વિજય માકડિયાની શોધખોળ માટે અન્ય ટીમને કામે લગાડવામાં આવી છે.