
યુરોપિયન યુનિયન (EU)એ ભારત સાથેના નવા સંરક્ષણ કરાર (સિક્યોરિટી અને ડિફેન્સ એગ્રીમેન્ટ)ને મંજૂરી આપી દીધી છે. આવતા અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાનારી ભારત-EU શિખર સંમેલનમાં તેના પર હસ્તાક્ષર થશે. EUના વિદેશનીતિ પ્રમુખ કાજા કલ્લાસે બુધવારે યુરોપિયન સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ભાગીદારી એક મોટા વ્યૂહાત્મક એજન્ડાનો ભાગ હશે. આ એજન્ડામાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર કરાર (FTA), ડિફેન્સ એન્ડ સિક્યોરિટી ડીલ, સાયબર સિક્યોરિટી, દરિયાઈ સુરક્ષા અને કાઉન્ટર ટેરરિઝમનો સમાવેશ થાય છે. યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન ભારત આવી રહ્યા છે. તેઓ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ હશે. ભારત-EU શિખર સંમેલન બીજા દિવસે 27 જાન્યુઆરીએ યોજાશે. કલ્લાસે જણાવ્યું કે સિક્યોરિટી અને ડિફેન્સ એગ્રીમેન્ટથી ભારત અને EU વચ્ચે દરિયાઈ સુરક્ષા, આતંકવાદ સામે લડવા અને સાયબર સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધશે. તેમણે કહ્યું કે યુરોપ ભારત સાથે એક નવા અને મજબૂત એજન્ડા પર આગળ વધવા માટે તૈયાર છે. ભારત આવી રહેલા EUના પ્રતિનિધિમંડળમાં લગભગ 90 સભ્યો સામેલ હશે. તેમાં કાજા કલ્લાસ, ટ્રેડ કમિશનર મારોસ સેફકોવિક અને ઘણા ડિરેક્ટર્સ રહેશે.
કેવી રીતે સાઇન થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ?ઃ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરવા માટે પહેલા બંને દેશો કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરશે. પહેલા યુરોપિયન સંસદને હા કહેવી પડશે. યુરોપિયન કાઉન્સિલની મંજૂરી પછી ટ્રેડ કમિશનર સેફકોવિક તેને ભારત સમક્ષ હસ્તાક્ષર માટે રજૂ કરશે. સમિટ દરમિયાન ભારત અને EU 2030 સુધી માટે એક રાજકીય એજન્ડા પણ રજૂ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલમાં બંને દેશો હજુ કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પર સહમતિ બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. CBAM હેઠળ સ્ટીલ અને સિમેન્ટ જેવા ઉત્પાદનો પર કાર્બન ટેરિફ માટે બનાવેલા નિયમો છે. જો કોઈ દેશ ઘણું પ્રદૂષણ કરીને સામાન બનાવે છે. પછી તેને યુરોપમાં લાવવામાં આવે છે, તો યુરોપ તેના પર વધારાનો ટેક્સ લગાવે છે. EUએ આ નીતિને લઈને હજુ સુધી કોઈ ફેરફાર કર્યો નથી. બંને દેશો તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
EU-ભારતનું સાથે આવવું ફાયદાકારકઃ કલ્લાસે કહ્યું છે કે આજના ખતરનાક વિશ્વમાં સાથે મળીને કામ કરવું બંને માટે ફાયદાકારક રહેશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી બજાર ખુલશે, જેનાથી દેશોના સામાન પર ટેક્સ અને અવરોધો ઓછા થશે.આના કારણે વધુ કંપનીઓ અને વેપારીઓ એકબીજાના દેશમાં સામાન વેચી અને ખરીદી શકશે. જેનાથી નિકાસ પણ વધશે. આ ઉપરાંત સ્વચ્છ ટેકનોલોજી, દવા અને સેમિકન્ડક્ટરના સહયોગમાં પણ મદદ મળશે.નોકરી અને વ્યાવસાયિકોની અવરજવર આ નવા એજન્ડાનો ત્રીજો ભાગ છે. કલ્લાસે જણાવ્યું કે બંને દેશો સીઝનલ વર્કર્સ, વિદ્યાર્થીઓ, સંશોધકો અને કુશળ કામદારોની અવરજવર સરળ બનાવવા માટે પણ સમજૂતી કરશે. આનાથી ટેકનોલોજી અને રિસર્ચમાં સહયોગ વધશે.