અમદાવાદમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી:મેયર દ્વારા ધ્વજવંદન, કર્મચારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ : પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએઃ મેયર

Spread the love
Screenshot

આપણે બધા સમાન છીએ. આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છેઃ  પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા દેશને આર્થિક મહાશક્તિ બનાવવા ભારતમાં જ બનેલી ચીજ-વસ્તુઓનો વપરાશ કરીએઃ મેયર

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 26 જાન્યુઆરી 2026ના રોજ દેશના 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ચાંદખેડા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ માર્કેટ ગ્રાઉન્ડ ખાતે થઈ હતી. સવારે 10 વાગ્યે માનનીય મેયરશ્રી પ્રતિભાબેન જૈન દ્વારા રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ, ત્રિરંગા પ્રતિકરૂપે કેસરી, સફેદ અને લીલા રંગના બલૂન ઉડાડવામાં આવ્યા હતા. એ પછી માનનીય મેયરશ્રી દ્વારા પ્રજાસત્તાક દિનના મહત્વને ઉજાગર કરતું પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર શ્રીએ હાજર તમામનું અભિવાદન કરતા 77માં પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, ‘આપણા બંધારણના ઘડવૈયા, સૌ દેશવાસીઓને સમાન ન્યાય, અધિકાર અપાવનારા ડો.બાબા સાહેબ આંબેડકરજીને વંદન કરું છું. આજના મહાન દિને ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્વૌપદી મૂર્મુજી અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ સૌ પ્રથમ અમર જવાન જ્યોતિ પર દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી પ્રજાના હાથમાં સત્તા સોંપણીના લોકશાહીના પર્વની ઉજવણી આરંભે છે ત્યારે આપણે પણ દેશને માટે શહીદી વહોરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન સહ શ્રધ્ધાંજલિ અર્પિત કરીએ.વધુમાં મેયર શ્રીએ જણાવ્યું હતું કે, ‘પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ. આપણે બધા સમાન છીએ. આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે. આપણે નવભારતના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ અને આગળ વધતા રહીશું.આવો આજના દિવસે આપણે પ્રતિજ્ઞા લઇએ કે, આપણે આપણા રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીએ અને તમામ નાગરિકોને સમાન ન્યાય અને સમાનતાની ભાવના સાથે ઉન્નત જીવન જીવવાની વધુ તકો પ્રદાન કરીએ. આવો આપણે સૌ સાથે મળીને આ પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને નવી ઉંચાઈઓ પર લઈ જઈશું અને સાથે મળીને આપણે એક મજબૂત ભારતનું નિર્માણ કરીશું. આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરનું સ્મરણ કરવા તેમજ રાષ્ટ્રપ્રેમ,એકતા, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમના મૂલ્યોને ઉજાગર કરવા તેમજ દેશના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આર્મી, નેવી, એરફોર્સ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તેમજ કેન્દ્રીય અર્ધસૈન્ય દળોના સંકલનથી ભવ્ય સૈન્ય બેન્ડ પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ સૈન્ય બેન્ડ પ્રદર્શન માત્ર સંગીત કાર્યક્રમ નહીં પરંતુ દેશની સશસ્ત્ર દળોની શિસ્ત, સંગઠન શક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનો જીવંત પરિચય છે, જે નાગરિકોમાં દેશ પ્રત્યે ગૌરવની લાગણી જન્માવે છે.’

આ ઉપરાંત, મેયર શ્રીએ જણાવ્યું હતું કે, ‘આ ઐતિહાસિક અને રાષ્ટ્રપ્રેરક પ્રસંગે શહેરીજનોએ પરિવાર સાથે આ સૈન્ય બેન્ડ પ્રદર્શનની મુલાકાત લઈ, દેશભક્તિના સંગીતમાં તરબોળ બની અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને સ્મરણિય બનાવી છે જે ખુબ ગૌરવપૂર્ણ છે. હું આશા રાખુ છું કે, અમદાવાદના વીર સપૂતો દેશની સેનાના સન્માનને સમર્પિત આ કાર્યક્રમથી પ્રેરણા લઈ હંમેશા દેશ માટે સર્વોચ્ચ બલિદાન કરવા હર હંમેશ તત્પર રહેશે. આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહજી લોકશાહીના વાહક તરીકે ગુલામીની માનસિકતાથી પ્રેરીત કાયદાઓને સુધારી આઝાદ અને વિકસિત ભારતની આંતરીક સુરક્ષાને વધુ સુદ્રઢ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહજી દ્વારા અમદાવાદ શહેરને સ્પોર્ટસ, હાઇટેક, ક્લીનેસ્ટ અને ગ્રીનેસ્ટ સીટી બનાવવા અવિરત પ્રેરણાબળ મળી રહ્યુ છે. આપણા ગુજરાતના લોકાભિમુખ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી દ્વારા સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારમાં વસતા નાગરીકોને પ્રાથમિક સુખાકારી અને વિકાસના પ્રકલ્પોની ભેટ આપી રહ્યા છે. દેશની આઝાદીના અમૃતકાળના આ સમયમાં અમદાવાદ શહેરના શહેરીજનો આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહ તથા સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહજીના માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં શ્રેષ્ઠ સુશાસનનો અનુભવ કરી રહ્યા છીએ.’

વધુમાં મેયર શ્રીએ જણાવ્યું હતું કે, ‘આપણા યશસ્વી વડાપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે દેશના રોજે રોજ કમાતા ફેરીયાઓને આત્મનિર્ભર કરવા પી.એમ.સ્વનિધિ ફેઝ 2.0 યોજના અમલમાં મુકવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત સ્વનિધિ સમારોહ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતાર્થે કરેલ કામગીરી માટે અમદાવાદ મહાનગરપાલિકાને પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત લોન પરફોર્મન્સ માટે મેગા એન્ડ મિલિયન પ્લસ સિટીની કેટેગરીમાં પ્રથમ સ્થાન તથા સ્વનિધિ સે સમૃદ્ધી માટે મેગા એન્ડ મિલિયન પ્લસ સિટીની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવેલ છે જે એક ખુબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારત 2047ને સાર્થક કરવા તેમજ ભારત દેશના દરેક નાગરિકમાં સ્વચ્છતાને અપનાવવાના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક આદર્શ મુહિમ છેડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરીજનોના સહિયારા પ્રયાસોથી સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 અંતર્ગત શહેરને પ્રેસિડેન્સિયલ એવોર્ડ “ક્લીનેસ્ટ બીગ સીટી એવોર્ડ” મળેલ છે, જે શહેરની 80 લાખથી વધુ જનતાને સમર્પિત છે.
આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમદાવાદ શહેર ઉત્તમ શહેરીકરણની સાથે સર્વોત્તમ સ્વચ્છતાના માપદંડોમાં પણ નિર્ણાયક કામગીરી દ્વારા નેટ જીરો એટ 2070ને હાંસલ કરવા પ્રામાણિક પ્રયાસો કરી રહ્યા છે.’

અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શોની વાત કરતા મેયર શ્રીએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદના શહેરીજનોના જીવનમાં રંગબેરંગી ફુલોથી રંગભરવા આપણા મુખ્યમંત્રીશ્રી દ્વારા શુભારંભ કરેલ અમદાવાદ ઇન્ટરનેશનલ ફલાવર શો-2026ને અભુતપૂર્વ જન પ્રતિસાદ મળ્યો છે તેમજ આ ફલાવર શોમાં રાષ્ટ્રીય એકતાનો પ્રતીકાત્મક ઝોનના આકર્ષણ ફલાવર મંડાલા અને સરદાર પટેલની ફુલોથી બનેલી પ્રતિકૃતિને મળેલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યા છે. અમદાવાદ શહેરને વિશ્વકક્ષાએ આગવી ઓળખ કરાવતા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ 2026નો શુભારંભ આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને જર્મનીના ચાન્સેલર જોઆચિમ-ફ્રેડરિક માર્ટીન જોસેફ મેર્ઝ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉત્સવે શહેરને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલનું કેન્દ્ર બનાવી દીધુ છે જે ખુબ જ ગૌરવપૂર્ણ છે. આજનો દિવસ આપણા સૌ ભારતીયોમાં દેશભક્તિ, દેશ પ્રત્યેની અસ્મિતાના વિચારોનો સંચાર કરે છે. જે દેશવાસીઓને પ્રતિજ્ઞા લેવા માટે પણ પ્રેરિત કરે છે કે તેઓ અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દે અને પોતાના દેશની રક્ષા, ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહેશે. વિશ્વના સૌથી વધુ દેશોના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત સુવર્ણ અક્ષરે ભારત દેશના ગૌરવની ગૌરવશાળી ગાથા લખનારા આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા “એક ભારત, શ્રેષ્ઠ ભારતના” પ્રણેતા સરદાર વલ્લભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા વર્ષ અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રીય ચેતના જગાડવા અનેક દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. છેલ્લા બે દાયકાથી ભારતીય જનતા પાર્ટી પર જનતા જનાર્દનનો જે અતુટ અને અટલ વિશ્વાસ રહેલો છે જેનું મુલ્ય ચુકવવા અમે ગરીબ, મધ્યમ અને ઉન્નત વર્ગના દરેક શહેરીજનને જન્મથી માંડી અંત સુધીની જીવનજરૂરી તમામ સુવિધાઓ સન્માનથી પ્રાપ્ત થઈ શકે તે પ્રકારના સફળ અને સુદ્રઢ આયોજનો કરી રહ્યા છે.

આ ઉપરાંત મેયર શ્રીએ જણાવ્યું હતું કે, ‘આપણા બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરજી દ્વારા સમાનતાને ફળીભૂત કરતુ અમુલ્ય બંધારણ આપણને આપ્યુ છે. ત્યારે તેમને સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે બંધારણીય અધિકારો અને ફરજોનું ચુસ્તપણે પાલન અને અનુકરણ કરવું જોઇએ જે આપણા સૌની નેતિક ફરજ હોવાની સાથે એક નિષ્ઠાવાન દેશભક્તની નિશાની છે. આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત 2047ને સાર્થક કરવા દેશના વિદ્યાર્થીઓને કૌશલ્ય સભર અત્યાધુનિક પધ્ધતિથી શિક્ષણ આપવા ન્યુ એજ્યુકેશન પોલિસી –2020 અંતર્ગત શહેરની દરેક શાળાને અનુપમ- સ્માર્ટ શાળા બનાવવામાં આવી રહી છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીના નેતૃત્વમાં દેશના યુવાધનના સર્વાંગી વિકાસ અર્થે શહેરમાં દરેક વિદ્યાર્થીને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મળે તે અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૌટિલ્ય માધ્યમિક શાળા સંચાલન ટ્રસ્ટ અંતર્ગત ધોરણ –9માં હાલમાં સાત શાળાઓમાં અંદાજિત 348 બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમજ આવતા વર્ષથી ક્રમશ: ધોરણ – 10, 11 અને 12નો પણ શુભારંભ કરવામાં આવશે.જેથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણને પ્રોત્સાહન મળશે તેમજ આપણા વિદ્યાર્થીઓ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવી ઉન્નત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ કરી દેશના વિકાસમાં યોગદાન સુનિશ્વિત કરી શકશે.’

વધુમાં મેયર શ્રીએ જણાવ્યું હતું કે, ‘આજના 77માં પ્રજાસત્તાક દિવસે દેશભક્તિના આ પાવન રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વૈશ્વિક અનિશ્વિતતા વચ્ચે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા જનહિતાર્થે ગુણાત્મક પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આપણા સૌની જવાબદારી બને છે કે, આપણા પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા દેશને આર્થિક મહાશક્તિ બનાવવા “આત્મનિર્ભર ભારત”, “મેક ઇન ભારત, મેક ફોર વર્લ્ડ” અને “વોકલ ફોર લોકલ”ના નારા સાથે ભારતમાં જ બનેલી ચીજ-વસ્તુઓનો વપરાશ કરીએ, પ્રોત્સાહન આપીએ અને તેના માટે ગૌરવ અનુભવીએ. આ પહેલને વેગ આપવા આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા દર વર્ષે અમદાવાદ ઇન્ટરનેશલ શોપિંગ ફેસ્ટીવલ અને વિવિધ હસ્તકલા મેળાનું આયોજન શહેરીજનો માટે કરવામાં આવે છે. ત્યારે, આવો આપણે આજના 77માં પ્રજાસતાક દિને લોકશાહી, સુશાસન અને વિકાસને સમર્પિત આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “ભારત પ્રથમ”ના મંત્રને સમર્પિત થઈ દેશમાંથી ગરીબી અને અસમાનતા દુર કરવાના પ્રામાણિક પ્રયાસો કરવાની સાથે સામાજિક ન્યાય અને આર્થિક ઉન્નતિના પંથે વંદે માતરમ અને ભારત માતાની જય નાદ સાથે સહભાગીદારીની ભાવનાથી અગ્રેસર રહીએ.

અંતમાં મેયર શ્રીએ અમદાવાદ શહેરની ખડેપગે સેવા કરતા સ્વચ્છતાના પુજારીઓ એવા સફાઇ કર્મચારીઓ, ફાયર બ્રિગેડના જવાનો, પોલીસના જવાનો, સૌ જન પ્રતિનિધિઓ, સૌ પત્રકાર મિત્રો, તમામ નાગરિકો, સૌ અધિકારીઓ અને કર્મચારીગણ સૌનો આભાર માની રાષ્ટ્ર વંદના સાથે ઉદબોધનનું સમાપન કર્યુ હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી જતિનભાઇ પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી દેવાંગભાઇ દાણી, પક્ષના નેતાશ્રી ગૌરાંગભાઇ પ્રજાપતિ, દંડકશ્રી શિતલબેન ડાગા, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજય મહેતા સહિત વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીગણ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ધ્વજવંદન બાદ આ પ્રસંગે દેશની આઝાદી માટે અમુલ્ય યોગદાનને સ્મરણ કરવા માટે ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપટી ટેક્ષ વિભાગ તેમજ આરટીઆઈ સેલના સિનિયર ક્લાર્ક શ્રી જયેશ શાહ, એસ્ટેટ અને ટીડીઓ ડિપાર્ટમેન્ટમાં અનન્ય કામગીરી બદલ વોર્ડ ઈન્સપેક્ટર આશિષ ઉપાધ્યાય અને સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનગરના અધિકારી કમ કોચ કિશન ડાભી, શોપિંગ ફેસ્ટિવલમાં સફાઈની તપાસ દરમિયાન અઢી લાખનું મંગળસૂત્ર મળ્યું તે પરત આપનાર નિલંકઠપુરી ગોસ્વામી, CHC વટવાના સુપરિન્ટેન્ડેન્ટ ડો.નિશા રાણાને, નરોડા પોલીસ સ્ટેશનના ASI કમલેશ પ્રતાસિંહને પોતાની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને ઉજાગર કરતા પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *