• ભારતનું બંધારણ કોઈ એક પક્ષ, એક વિચારધારા, કે એક વર્ગનો દસ્તાવેજ નથી, પરંતુ દેશના તમામ જાતિ, સમુદાય, ધર્મ, વર્ગ, પ્રદેશ અને રાજકીય વિચારોને સાથે લઈને તૈયાર થયેલ વિશ્વનો શ્રેષ્ઠ લોકશાહી દસ્તાવેજ છે. : શ્રી અમિત ચાવડા
• સંવિધાને આપણને માત્ર અધિકારો જ નથી આપ્યા, પરંતુ આ અધિકારોની રક્ષા કરવાની ફરજ સ્વરૂપે જવાબદારી પણ સોંપેલ છે. : શ્રી અમિત ચાવડા
• મતનો અધિકાર એ માત્ર મત આપવાનો અધિકાર નથી, પરંતુ સમાનતા, લોકશાહી અને દેશમાં શાસન નક્કી કરવાનો સર્વોચ્ચ અધિકાર છે. : શ્રી અમિત ચાવડા
• મતાધિકાર છીનવવાની સાજિશ એ લોકશાહીના મૂળ પર હુમલો છે, કોંગ્રેસ આ ષડ્યંત્ર સામે સડકથી લઈને સંસદ સુધી લડશે : શ્રી અમિત ચાવડા
અમદાવાદ
દેશના રાષ્ટ્રિય પર્વ ૭૭માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની વિશેષ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા ધ્વજ વંદન અને રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતે પોતાનું બંધારણ સ્વીકારી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મહાન સિદ્ધાંતો સાથે લોકશાહી દેશ તરીકે નવી શરૂઆત કરી હતી. આ બંધારણ કોઈ એક પક્ષ, એક વિચારધારા કે એક વર્ગનો દસ્તાવેજ નથી, પરંતુ દેશના તમામ જાતિ, સમુદાય, ધર્મ, વર્ગ, પ્રદેશ અને રાજકીય વિચારોને સાથે લઈને તૈયાર થયેલ વિશ્વનો શ્રેષ્ઠ લોકશાહી દસ્તાવેજ છે. આ બંધારણ આપણને માત્ર અધિકારો જ નથી આપતું, પરંતુ આ અધિકારોની રક્ષા કરવાની જવાબદારી પણ સોંપે છે. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના વડવાઓએ આપેલા બલિદાનના કારણે આજે આપણે લોકશાહી દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પરંતુ દુઃખની વાત એ છે કે આજની સરકાર એ જ બંધારણને ખોખલું કરવાની દિશામાં આગળ વધી રહી છે.
આજની સાંપ્રત પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતમાં બંધારણે આપેલા મૂળભૂત અધિકારો પર સીધો હુમલો થઈ રહ્યો છે. યુવાનો બેરોજગારીના દલદલમાં ફસાયેલા છે, શિક્ષિત યુવાનો માટે રોજગારીની કોઈ સ્પષ્ટ નીતિ સરકાર પાસે નથી. ખેડૂતોને ઉત્પાદન ખર્ચની સામે યોગ્ય ભાવ મળતો નથી, ખેતી સંકટમાં છે, અને મોંઘવારીના કારણે સામાન્ય પરિવારો માટે ઘર ચલાવવું અશક્ય બનતું જાય છે.
શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓ આજે સામાન્ય નાગરિકોની પહોંચ બહાર ધકેલાઈ રહી છે. ખાનગીકરણ અને વેપારીકરણના કારણે સરકારી શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાનો નાશ થયો છે, જેના પરિણામે ગરીબ અને મધ્યવર્ગ માટે સારું શિક્ષણ અને સારવાર માત્ર સપના બની રહ્યા છે.
ભાજપ સરકારના શાસનમાં લોકશાહી મૂલ્યોનું સતત હનન થઈ રહ્યું છે. બોલવાની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વિરોધનો અધિકાર દબાવવામાં આવી રહ્યો છે. બંધારણીય સંસ્થાઓને કમજોર બનાવવાનો સુવ્યવસ્થિત પ્રયાસ ચાલી રહ્યો છે. ખાસ કરીને તેમણે SIR (Special Intensive Revision) પ્રક્રિયા દેશના બંધારણે દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે. મતનો અધિકાર એ માત્ર મત આપવાનો અધિકાર નથી, પરંતુ સમાનતા, લોકશાહી અને દેશના શાસન નક્કી કરવાનો સર્વોચ્ચ અધિકાર છે. આજે આ મતાધિકારને છીનવવા માટે નામ કાપવાની, મતદારોને હેરાન કરવાની અને લોકશાહી પ્રક્રિયાને ભંગ કરવાની સાજિશ ચાલી રહી છે, જેને કોંગ્રેસ ક્યારેય સહન કરશે નહીં.
ગણતંત્ર દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ સંકલ્પ લેવાનો દિવસ છે. કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના દરેક કાર્યકરનો સંકલ્પ છે કે દેશના બંધારણની રક્ષા માટે, લોકશાહીના મૂલ્યો બચાવવા માટે અને સામાન્ય નાગરિકોના હક-અધિકાર માટે દરેક મોરચે સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ગુજરાતના લોકોના હક-અધિકારની લડાઈ વધુ તેજ કરશે, લોકશાહીને ખોખલી કરવાની કોઈ પણ કોશિશનો પુરજોશ વિરોધ કરશે, બંધારણીય અધિકારો પર કોઈ આંચ આવવા નહીં દે અને દેશની એકતા તથા અખંડિતતા માટે જરૂર પડે તો સર્વસ્વ બલિદાન આપવા પણ પાછળ નહીં પડે.
રાજીવ ગાંધી ભવન ખાતે ગણતંત્ર દિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદનના કાર્યક્રમમાં પ્રદેશ ઉપપ્રમુખશ્રી નીશિત વ્યાસ, શ્રી બિમલ શાહ, શ્રી પંકજ શાહ, શ્રી પંકજ પટેલ, શ્રી અશોક પંજાબી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સોનલબેન પટેલ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી રાજેશ ગોહિલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ અમદાવાદ મેયર શ્રી હિંમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉપનેતાશ્રી નિરવ બક્ષી, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. અમિત નાયક સહિત મોટી સંખ્યામાં પ્રદેશ-શહેરના પદાધિકારીઓ, દરેક ફ્રન્ટલ તથા સેલના આગેવાનો કાર્યકરો જોડાયા હતા અને ધ્વજવંદનના કાર્યક્રમમાં સેવાદળના કાર્યકારી પ્રમુખશ્રી પ્રગતિ આહિર, શ્રી કિરણ પ્રજાપતિએ કાર્યકર્તાઓ-આગેવાનોને રાષ્ટ્રધ્વજને સલામી અપાવી હતી તથા દેશના બંધારણ, લોકશાહી અને સામાન્ય નાગરિકોના અધિકારોની રક્ષાનો સંકલ્પ પુનઃદ્રઢ કર્યો હતો.


