આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. એક તરફ ભાજપે ગ્રાઉન્ડમાં પ્રચાર માટે તાજેતરમાં આવેલા VB જી રામજી બિલ પ્રચાર સાથે ગ્રાઉન્ડ મજબૂત કરવા રણનીતિ બનાવી છે. ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જેવા નેતાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં 27મી જાન્યુઆરીએ વહેલી સવારે ત્રણ વાગે અભ્યુદય મહાસંમેલન કરાયું છે.
જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉભરાઈ હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના અભ્યુદય મહાસંમેલનમાં અડાલજમાં બનનારા સરસ્વતી ધામનું ભૂમિપૂજન કરાયું હતું. આ કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતુ નહીં હોવાનો નેતાઓનો દાવો છે.
10 વર્ષ પહેલા આ અભિયાન શરૂ કરાયું હતુ
આ અભ્યુદય કાર્યક્રમમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ધારાસભ્ય રાકેશ ઝાલા, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના આગેવાન જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, અભિનેતા વિક્રમ ઠાકોર, કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગાંધીનગરના રામકથા મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. સમાજની બદીઓ દૂર કરવા ક્ષત્રિય ઠાકોર સેનાએ 10 વર્ષ પહેલા આ અભિયાન શરૂ કર્યું હતું.
“અમે ઊંઘી નથી ગયા અમે જાગીએ છીએ”
ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાન ખાતે આ અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન થયું છે. ઠાકોર સેનાનું આ સંમેલન આજે (27મી જાન્યુઆરી) વહેલી સવારે 3 વાગ્યે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે. આ મહાસંમેલનમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે. છેલ્લા 10-15 વર્ષમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું સ્તર વધ્યું છે. રાજ્ય સરકારે બજારના 50 ટકા ભાવે અડાલજ પાસે ઠાકોર સમાજને શૈક્ષણિક ધામ માટે જગ્યા આપી છે. અમે ઊંઘી નથી ગયા અમે જાગીએ છીએ એ સંદેશ આપવા માટે અડધી રાત્રે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.
મોટી સંખ્યામાં યુવાનો જોડાયા
આ શૈક્ષણિક ઉત્થાન માટેના સંમેલનના આયોજનમાં ઠાકોર સમાજના રાજ્યના સાત હજાર ગામડાઓમાંથી સમાજના યુવાનો જોડાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં ઠાકોર સમાજ કુરિવાજો અને બદીઓથી મુક્ત થવા જઈ રહ્યો છે અને સરસ્વતી ધામ શૈક્ષણિક સંકુલમાં બે હજાર વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા તરફ આગળ વધશે. આ ભવન માટે 10 વર્ષથી નીચેની વયના 11 દીકરી-દીકરાઓએ ભવનનું ભૂમિ પૂજન કર્યું હતું.
આ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિકાસ ઝંખતો સમાજ વર્ષો પછી જાગ્યો છે. અન્ય સમાજ સાથે સ્પર્ધા કે ઈર્ષ્યા નથી અમે એમનામાંથી પ્રેરણા લઈ રહ્યા છીએ, જાહેર જીવનમાં થતા કાર્યક્રમો શક્તિ પ્રદર્શન નથી. અમે સમાજ ઉત્થાન માટે નીકળ્યા છીએ. આ સંમેલનનું રાજકીય અવલોકન ના કરવામાં આવે. આ કાર્યક્રમ અને મંત્રી મંડળને સાથે જોડવામાં ના આવે તેવી અપીલ છે.