
ગોંડલ ખાતેથી એક ચિત્ર-વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગેની મળતી માહિતી અનુસાર, નારિયેળમાં ગુપ્તાંગ ફસાયા બાદ બદનામીથી વ્યથિત યુવકે આપઘાત કરી લીધો છે. બનાવ આટલેથી ન અટકતા, પોતાની બીમાર પત્ની તેના ભાઈના મૃત્યુનો આઘાત સહન નહીં કરી શકે તેવું માની મૃતકના બનેવીએ પોતાના સાળાનો મૃતદેહ ઘરના પાછળના ભાગે જ દાટી દીધો હોવાની વિગતો સામે આવી રહી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે મૃતદેહની લાશને જમીનમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરતા આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.
વિગતવાર વાત કરીએ તો, રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે કોટડા-સાંગાણી રોડ ઉપર પોતાના બહેન-બનેવી સાથે ભોગબનનાર આ 18 વર્ષીય યુવક રહેતો હતો. જેનું ગત 12મી જાન્યુઆરી 2026ના રોજ લીલા નાળિયેરમાં ગુપ્તાંગ ફસાયું હતું. જેના કારણે તેને લોહીલુહાણ હાલતમાં ગોંડલ અને ત્યાર બાદ રાજકોટ તથા વધુ સારવાર અર્થે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ જતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેથી તે ગત 22મી જાન્યુઆરીના રોજ ગોંડલ પરત આવ્યો હતો. જોકે ગોડલ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં થયેલી બદનામીથી વ્યથિત થઇ આ યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો તેના બનેવી દાવો કરી રહ્યા છે.
વધુમાં સમગ્ર બનાવ અંગે મૃતકના બનેવી દ્વારા પોલીસને જાણ કરવાના બદલે તેણે પોતાના સાળાની લાશને ઘરની પાછળના ભાગે દાટી દીધી હોવાનું સામે આવ્યું છે. જોકે પત્ની વારંવાર પોતાના ભાઈ વિશે પૂછતી હોવાથી આખરે મિત્રને વાત કર્યા બાદ બનેવીએ સમગ્ર મામલાની જાણ પોલીસને કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં ઘરની પાછળના ભાગમાંથી મૃતકની લાશને બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડ્યો છે. સાથે જ આ મામલો શંકાસ્પદ જણાતા પોલીસે બનેવીની પણ કડકાઈથી પૂછપરછ હાથ ધરી છે, ત્યારે પોતાની બીમાર પત્ની તેના ભાઈના મૃત્યુનો આઘાત સહન નહીં કરી શકે તેવું માનીને તેણે પોતાના સાળાની લાશને ઘરની પાછળના ભાગે દાટી દીધી હોવાનું રટણ બનેવી કરી રહ્યા છે.
હાલ તો આ સમગ્ર મામલાની જાણ મૃતક યુવાનની બીમાર બહેનને થતા તે ભાંગી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ પોલીસ અને ફોરેન્સિક ટીમે પણ સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, ત્યારે મૃતદેહનો ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ આ 18 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે અને કયા સંજોગોમાં થયું હતું તે બાબતનું કારણ સામે આવશે.