
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર બુધવારે 3 દિવસના ચીન પ્રવાસે પહોંચ્યા. છેલ્લા 2 મહિનામાં 5 પશ્ચિમી દેશોના નેતાઓ ચીન જઈ ચૂક્યા છે. સ્ટાર્મર પહેલાં ફ્રાન્સ, કેનેડા, ફિનલેન્ડ અને આયર્લેન્ડના નેતાઓ બેઇજિંગની મુલાકાત લઈ ચૂક્યા છે. આવા સંજોગોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓએ પશ્ચિમી દેશોને ચીન સાથે સંબંધો સુધારવા મજબૂર કર્યા છે. યુનિવર્સિટી ઓફ સિડનીના આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અમેરિકી ઇતિહાસના નિષ્ણાત ડો. સ્ટુઅર્ટ રોલોકાએ કહ્યું કે ટ્રમ્પની આક્રમક નીતિઓના કારણે વૈશ્વિક સંતુલન બદલાઈ રહ્યું છે.
ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ દ્વારા NATO પર સવાલ ઉઠાવવા, ગ્રીનલેન્ડ પર કબજાની માંગ અને ગઠબંધનની અવગણના કરવાના વલણે યુરોપિયન સહયોગીઓમાં વિશ્વાસનો અભાવ પેદા કર્યો છે. આમાં ટ્રમ્પની ટેરિફ ધમકીઓની સૌથી મોટી ભૂમિકા છે. યુરોપના ટેક્સ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે દુનિયાભરના દેશો પર સરેરાશ 10 થી 25% સુધી ટેરિફ લગાવ્યો છે. આનાથી વેપારમાં અનિશ્ચિતતાનો ખતરો વધી ગયો છે. યુરોપિયન દેશો પર લાગેલા 15% ટેરિફની અસર સીધી રીતે ફ્રાન્સ અને જર્મની પર પડી છે. ટેરિફે આ દેશોમાં નાણાકીય સંકટ અને આર્થિક મંદીની આશંકા વધારી દીધી છે. ટ્રમ્પે આ મહિને યુરોપના 8 દેશોને 10% વધારાનો ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. આ દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકી કબજાનો વિરોધ કરી રહ્યા હતા. જોકે, ટ્રમ્પે બાદમાં પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો.
ટ્રમ્પે 23 જાન્યુઆરીએ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના મંચ પરથી પોતાના પશ્ચિમી સહયોગીઓ વિરુદ્ધ અનેક વિવાદાસ્પદ વાતો કહી. તેમણે કહ્યું કે અમેરિકા હવે તે ગ્લોબલ સિસ્ટમનું નેતૃત્વ નહીં કરે, જેને તેણે બીજા વિશ્વ યુદ્ધ પછી પોતાના સહયોગી દેશો સાથે મળીને બનાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે યુરોપિયન દેશોને પોતાના બજાર અને સૈન્ય સુરક્ષાની સુવિધા મફતમાં નહીં આપે. તેમનું ભાષણ ક્યારેક આક્રમક, ક્યારેક નારાજ અને ક્યારેક પોતાની પ્રશંસાથી ભરેલું હતું. તેમણે યુરોપિયન સહયોગીઓને એવા દેશો ગણાવ્યા જે અમેરિકાનો ફાયદો ઉઠાવતા રહ્યા છે. ટ્રમ્પે એ પણ કહ્યું કે તેઓ પોતાના ‘ટ્રેડ વોર’ને આગળ વધારશે અને ટેરિફને અમેરિકી બજારમાં આવવાની કિંમત ગણાવી. પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આખી દુનિયાને સંભાળી રહ્યું છે અને બાકીના દેશોએ અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે હવે અમેરિકા આવું થવા દેશે નહીં.
જિનપિંગના ભાષણો ટ્રમ્પની સરખામણીમાં વધુ જવાબદારઃ સ્વિટ્ઝર્લેન્ડમાં ટ્રમ્પનું આ ભાષણ તે જ હોલમાં થયું હતું, જ્યાં 9 વર્ષ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વૈશ્વિકીકરણ અને આંતરરાષ્ટ્રીય સહયોગના સમર્થનમાં ભાષણ આપ્યું હતું. શી જિનપિંગે ત્યારે કહ્યું હતું કે સંરક્ષણવાદી નીતિઓ કોઈના માટે ફાયદાકારક હોતી નથી અને ‘ટ્રેડ વોર’માં કોઈ જીતતું નથી. જોકે ચીન પર લાંબા સમયથી આરોપો લાગતા રહ્યા છે કે તે પોતાના ઉદ્યોગોને સરકારી મદદ આપે છે, અસંતોષને દબાવે છે અને પાડોશી દેશોને ધમકાવે છે. આમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ધારણા મજબૂત થઈ છે કે ચીન ઓછામાં ઓછું પોતાના ભાષણમાં ગ્લોબલ ટ્રેડ, બહુપક્ષીય સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગનું સમર્થન કરે છે, જ્યારે ટ્રમ્પ આ બાબતોથી દૂર રહેતા જોવા મળ્યા છે. કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર ઐશ્વર પ્રસાદનું કહેવું છે કે ચીન પોતાને એક જવાબદાર ગ્લોબલ પાવર તરીકે રજૂ કરવા માંગે છે, પરંતુ દુનિયા હજુ સંપૂર્ણપણે ચીનની લીડરશિપ અપનાવવા માટે તૈયાર નથી.
ચીન સાથે સંબંધો સુધારવાના પ્રયાસમાં લાગેલા પશ્ચિમી દેશોઃ પશ્ચિમી દેશોની ચીન યાત્રાઓ માત્ર આર્થિક જરૂરિયાત નથી, પરંતુ તેમને સંબંધોને ફરીથી સ્થાપિત કરવાની રાજદ્વારી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. બ્રિટને તાજેતરમાં લંડનમાં નવી ચીની દૂતાવાસના નિર્માણને મંજૂરી આપી. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને તેને બંને દેશોના સંબંધોમાં જામી ગયેલી બરફ તોડવાના પગલા તરીકે ગણાવ્યું. કેનેડા અને ચીને ઔપચારિક રીતે તેમના સંબંધોને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ સુધી લઈ જવાની વાત કરી છે, જેને 2018 પછીનું પ્રથમ મોટું રાજદ્વારી પગલું માનવામાં આવી રહ્યું છે. થિંક ટેન્ક એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે પશ્ચિમી દેશો હવે ચીન સાથે ટકરાવને બદલે મર્યાદિત અને સંભાળપૂર્વકના સંબંધો રાખવા માંગે છે, જેથી તેઓ વૈશ્વિક સ્તરે એકલા ન પડી જાય.
જૂના વિવાદો ભૂલીને ચીન ગયા કેનેડિયન PM ઃ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની આ મહિને 16 જાન્યુઆરીએ ચીનના પ્રવાસે ગયા હતા. 2017 પછી કોઈ કેનેડિયન વડાપ્રધાનની આ પ્રથમ ચીન યાત્રા હતી. કેનેડા અને ચીન વચ્ચેના સંબંધો 2018ના ‘હુઆવે વિવાદ’ પછી તણાવપૂર્ણ બન્યા હતા. તે સમયે અમેરિકાના કહેવા પર ચીની કંપની હુઆવેના CFO મેંગ વાનઝોઉની કેનેડામાં ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકા ઈચ્છતું હતું કે કેનેડા તેમને અમેરિકાને સોંપી દે. ચીને ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું. જવાબમાં તેણે બે કેનેડિયન નાગરિકોને અટકાયતમાં લીધા હતા. આ વખતે બંને દેશોએ સંબંધોને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ સુધી પહોંચાડ્યા. કેનેડાએ ચીની ઇલેક્ટ્રિક વાહનો પર ટેરિફ 100% થી ઘટાડીને 6.1% કર્યો, જ્યારે ચીને કેનેડિયન રેપસીડ (તેલબિયાં પાક) પર ટેરિફ 84% થી ઘટાડીને 15% કરી દીધો. કાર્નીએ કહ્યું કે ચીન સાથેના સંબંધો અમેરિકાની સરખામણીમાં વધુ સ્પષ્ટ છે. જોકે કેનેડા તેની કુલ નિકાસનો 75% અમેરિકાને કરે છે.