ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ અભ્યાસક્રમો – વિદ્યાશાખામાં અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને છેલ્લા ઘણા સમય થી મળવાપાત્ર શૈક્ષણિક સહાયતાની રકમ મળી નથી. રાજ્યની ખાનગી શાળા – કોલેજાેના સંચાલકો એક તરફ તાકીદે ફી ભરવા દબાણ કરી રહ્યા છે બીજી બાજુ રાજ્ય સરકાર તરફ થી જે તે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને તેમને મળવાપાત્ર સ્કોલરશીપ તથા શિક્ષણ સહાયના નાણા ચુકવવામાં વિલંબ થઇ રહ્યો છે આ અંગે વિદ્યાર્થી અને વાલીઓ પણ રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરેલ છે. તેમ છતાં ઉકેલ આવેલ નથી.
મંદી – મોંઘવારી – મહામારીમાં સપડાયેલ સામાન્ય મધ્યમ વર્ગના બિન અનામતવર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ઊંચા ફીના ધોરણોના કારણે અભ્યાસ છોડી દેવા મજબુર બની રહ્યા છે અને અભ્યાસ સળંગ રાખવો હોય તો સંચાલકોના દબાણ હેઠળના નાણા દેવું કરીને પણ ભરવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં પણ ખાનગી શાળા કોલેજાેના સંચાલકોએ ફી વસુલવા માટે રીતસર જાેહુકમી ચલાવી રહ્યા છે. મેડીકલ – ડેન્ટલ સહિતના વ્યવસાયિક અભ્યાસરૂમોના સંચાલકો તો એડવાંસ ફી માટે સ્પષ્ટ નોટીસ આપી રહ્યા છે અને જાે ફી ભરવામાં વિલંબ થશે તો મહામારીના સમયમાં પણ પેનલ્ટી વસુલવાની નોટીસ આપી દીધી છે. આ અંગે રાજ્ય સરકાર, ખાનગી કોલેજ સંચાલકોની તરફદારી કરી રહી છે અને સામાન્ય મધ્યમવર્ગના વાલીઓની સદંતર ઉપેક્ષા કરતી હોય તેમ સ્પષ્ટ જણાય છે.
બિન અનામત વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને મળવાપાત્ર શૈક્ષણિક લાભો સ્કોલરશીપની રકમ જે લાંબા સમયથી અટકાવેલ છે તે તાત્કાલિક મુક્ત કરવામાં આવે, જેથી મંદી મોંઘવારી મહામારીમાં સપડાયેલ સામાન્ય અને માધ્યમવર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને થોડી રાહત મળે.