મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વિકાસના પાયામાં શિક્ષણનો મહત્વનો ફાળો છે.શિક્ષણ વિના વિકાસ શક્ય નથી.
તેમણે ઉમેર્યું કે ગુજરાતની વિકાસ યાત્રાની વાત કરવી હોય તો, આધ્યાત્મિકતા ક્ષેત્રે નરસૈયાની કરતાલ, શ્રમિકોના શોષણ સામે ગાંધીજીની હડતાલ અને ધર્મ શિક્ષણ સેવા ક્ષેત્રમાં સ્વામિનારાયણના વડતાલની ઐતિહાસિક ધરોહરને યાદ કરવા પડે.
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વલ્લભ વિદ્યાનગર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત છાત્રાલય અને મંદિરનો આચાર્ય મહારાજ
શ્રી રાકેશપ્રસાદજીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો.
આ છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સાથે સંસ્કાર અને રાષ્ટ્ર ઘડતરનું શિક્ષણ મેળવશે.
આ છાત્રાલય ગરીબ અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૨૧મી સદી જ્ઞાનની સદી છે, ત્યારે ગુજરાતના યુવાનો વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી દુનિયાની સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે તે માટે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આત્મ નિર્ભર ભારત અને નવા ભારતના નિર્માણના સ્વપ્ન સાકાર કરશે.
તેમણે ઉમેર્યું કે અહીં નિર્માણ થનાર ગુરૂકુળમાં વિદ્યાર્થીઓનું શિક્ષા દીક્ષા સાથે સંસ્કારોનું પણ ઘડતર થશે.
આ છાત્રાલયનું નિર્માણ પણ ગુજરાત કે ભારતમાં જ નહિ દેશ-વિદેશમાં વિદ્યાધામ તરીકે પ્રખ્યાત વલ્લભ વિદ્યાનગરમાં થઇ રહયું છે તે વિશેષ આનંદની વાત છે.
તેમણે ઉમેર્યું કે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ કરમસદની નજીક વલ્લભ વિદ્યાનગરમાં તેમના જ આશીર્વાદથી ભાઇકાકા અને ભીખાભાઇ સાહેબે ચારૂતર વિદ્યામંડળના નેજામાં વિકસાવેલું નગર છે.જેમાં આજે એક વધુ પુષ્પનો ઉમેરો થયો છે.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાત પર સ્વામિનારાયણ ભગવાનની હંમેશા કૃપા દ્રષ્ટિ રહી છે.કોરોના કાળ હોય કે વાવાઝોડાના સમયે સરકારની સાથે વડતાલ મંદિર માનવ સેવા માટે અગ્રેસર રહ્યું છે.
પ.પુ. આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું કે છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે.
આ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થશે અને તેઓ દેશના સાચા નાગરિક બનશે.
સરધાર મંદિરના શ્રી નિત્યસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી અનેક સમાજ સેવાના કાર્યો થઈ રહ્યા છે તે પરંપરાને જાળવીને આજે છાત્રાલય અને મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે જે આનંદની વાત છે.અહી વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે જ્ઞાન પ્રાપ્ત કરી દેશના શ્રેષ્ઠ નાગરિકો બનશે.
કુંડલધામના શ્રી જ્ઞાનજીવન સ્વામીએ જણાવ્યું કે કોરોનાના કપરા કાળમાં ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ સરકારની સાથે રહી સરાહનીય કામગીરી કરી હતી. સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રીએ જીવ માત્રના કલ્યાણ માટે ઉત્તમ કામગીરી કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં ડો.સંતવલ્લભ સ્વામીએ સૌનો આવકાર કર્યો હતો.
આ અવસરે શ્રી રાકેશ પ્રસાદ મહારાજના ૫૫ મા તથા મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૬૫ મા જન્મ દિને વિશાળ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ,મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ,પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, મુખ્યદાતા શ્રી અરજણભાઇ ધોળકિયા સંતો, અગ્રણી શ્રી રાજેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, ચારૂતર વિદ્યામંડળના પ્રમુખશ્રી ભીખુભાઇ પટેલ, પદાધિકારીઓ, કલેકટરશ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જી.પ્રજાપતિ, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.