ડાયરેક્ટર ટેક્સ ટાસ્ક ફોર્સે કરેલાં સૂચનોનો અમલ થાય તો ટેક્સ માળખું હળવું થવા છતાં સરકારને 55,000 કરોડની આવક વધુ થશે એેવી જાણકારી મળી હતી. જાણકાર સૂત્રોના કહેવા મુજબ કેન્દ્ર સરકાર ડાયરેક્ટર ટેક્સ ટાસ્ક ફોર્સનાં સૂચનોનો અમલ કરવાની દિશામાં વિચારી રહી છે. આ રિપોર્ટમાં હાલના ટેક્સ સ્લેબ અને કેપિટલ ગેન્સ સિસ્ટમને બદલવાની ભલામણ કરાઇ છે. આ સૂત્રોના કહેવા મુજબ કેન્દ્ર સરકાર આગામી બજેટમાં આ ભલામણોનો અમલ શરૂ કરશે.
જો કે ટાસ્ક ફોર્સના રિપોર્ટને હજુ જાહેર જનતા સમક્ષ રજૂ કરાયો નથી. પરંતુ એની કેટલીક જોગવાઇ વિશે વિગતો પ્રગટ થઇ ચૂકી છે. જેમ કે એક ભલામણ એવી છે કે જે લોકો પચાસ ટકા પેનલ્ટી અને ન ચૂકવાયેલા ટેક્સના વ્યાજ સાથે છેલ્લાં છ વર્ષથી વધુ ઇન્કમ ટેક્સ ભરતાં હોય તેમની સામે કાનૂની કેસ નહીં ચલાવવા કે રિ-એસેસમેન્ટ ન કરવું એવી એક ભલામણ છે એ જ રીતે એવી પણ ભલામણ છે કે દસ લાખ સુધીની આવક પર 10 ટકા ઇન્કમટેક્સ લેવો.
10થી 20 લાખ સુધીની આવક પર 20 ટકા, 20 લાખથી 2 કરોડ સુધીની આવક પર ત્રીસ ટકા અને બે કરોડથી વધુ આવક ધરાવનારા પર 35 ટકા ઇન્કમટેક્સ વસૂલ કરવો એવી ભલામણ છે. આ બાબત પર્સનલ ઇન્કમટેક્સના કિસ્સામાં છે.કેન્દ્ર સરકાર આ રિપોર્ટમાં સૂચવાયેલી ભલામણોનો અમલ કરવા તૈયાર થઇ હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. જો કે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી પરંતુ એ દિશામાં સક્રિય વિચારણા શરૂ થઇ ચૂકી છે.