બોટાદના ઢસા ગુરુકુળના સંચાલક સ્વામી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. કેટલાક ઇસમોએ લાકડાના ફટકા અને લોખંડના પાઈપ વડે સ્વામી પર હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા સ્વામીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે અને ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમરાના ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સૂત્રોના અનુસરે બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગુરુકુળના સંચાલક અક્ષરપ્રસાદ સ્વામી પર કેટલાક ઇસમોએ ધોળા દિવસે ધોકા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને સ્વામીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. હુમલા ખોરો સ્વામી પર હુમલો કરીને ફરાર થઇ ગયા હતા ત્યારબાદ અક્ષરપ્રસાદ સ્વામીને સારવાર માટે ભાવનગરના સર-ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડૉક્ટરોએ સ્વામીની ચેકઅપ કર્યા પછી જણાવ્યું હતું કે, અક્ષરપ્રસાદ સ્વામીને પગના ભાગે ફેંકચર થયું છે.
આ હુમલાની ઘટનાને પગલે પોલીસ દ્વારા સ્થાનિક લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને ઘટના સ્થળ નજીકમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં જે સ્વામી પર હુમલો થયો છે તે સ્વામી પર અગાઉ છ મહિના પહેલા પણ હુમલો થયો હતો અને અક્ષરપ્રસાદ સ્વામીનું નામ થોડા વર્ષો પહેલા જાલી નોટ પ્રકરણમાં પણ ખુલ્યું હતું. હાલ તો સ્વામી પર હુમલો ક્યા કારણે અને કોના દ્વારા કરવામાં આવ્યો છે, તેની કોઈ પણ માહિતી મળી શકી નથી. આગામી દિવસોમાં પોલીસ તપાસ પછી જ જાણવા મળશે ક્યાં હેતુથી સ્વામી પર હુમલો કરવામાં આવ્યો હતો.