લગ્ન કે સગાઇ જેવા ખુશીના પ્રસંગમા ઘણીવાર દુઃખદ ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યા છે કે, એક સગાઇના પ્રસંગમાં હાજરી આપવા આવેલા મહેમાનોને અચાનક આંખમાં ઇન્ફેકશન થવા લાગ્યું હતું. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર મળ્યા પછી તમામ લોકોની આંખની બળતરા દૂર થઇ હતી.
એક રિપોર્ટ અનુસાર, રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મોકરશી પરિવારના દીકરાની સગાઇની આગળની રાત્રે પરિવાર દ્વારા દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યાના સગા-સંબંધીઓ હાજરી આપવા માટે આવ્યા હતા. રાત્રીના સમયે એક પછી એક કેટલાક લોકોને આંખમાં અસહ્ય પીડા અને બળતરા થવા લાગી હતી. ધીમે ધીમે આ ઇન્ફેકશન વધારે લોકોમાં ફેલાવા લાગ્યું અને 175થી વધારે લોકોને આંખમાં બળતરાઓ થવા લાગી હતી, તેથી તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મોકરશી પરિવારના એક સભ્યેએ આ બાબતે જણાવ્યું હતું કે, સવારના પાંચ વાગ્યે લોકોને આંખની તકલીફ ખૂબ વધવા લાગી હતી અને નાના છોકરાઓ તો પોતાની આંખ પણ ખોલી શકતા નહોતા, તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ લોકોની આંખની તકલીફ ઘણી ઓછી થઇ ગઈ છે.
આ બાબતે સિવિલ હોસ્પિટલના ડૉકટરોએ જણાવ્યું હતું કે, આંખની બળતરાના કેસમાં સવારના પાંચ વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીના સમયમાં 175 લોકોની સારવાર કરવામાં આવી છે. આ તમામ લોકોની આંખને પહેલા પાણીથી ધોઈને ટીપા નાંખવામાં આવ્યા હતા. હાલ આ સારવાર પછી 24 કલાકના સમયમાં તમામ લોકોને સારું થઇ જશે.