ગાંધીનગર જિલ્લા ભાજપા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ૮ ડિસેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલે તેમનો જન્મદિન ગાંધીનગર નજીક ઉવારસદ ખાતે આવેલ દિવ્યાંગ પુનર્વસન કેન્દ્રના બાળકો સાથે “સેવા દિવસ” તરીકે ઉજવ્યો હતો આ પ્રસંગે તમામ દિવ્યાંગ બાળકોને મિઠાઈ ફળફળાદી અને જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી અનિલભાઇ પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે મારો જન્મદિન “સેવા દિવસ” તરીકે આ બાળકો વચ્ચે ઉજવીને સમાજિક દાયિત્વ નિભાવવાનો આનંદ અનુભવું છું સમાજના અભિન્ન અંગ એવા વૃધ્ધો, અનાથ અને દિવ્યાંગ બાળકો વચ્ચે ઉજવાતા આવા પ્રસંગો તેમના ચહેરા પર ખુશી લાવવાની સાથે સાથે સંગઠિત અને તંદુરસ્ત સમાજ નિર્માણમાં પણ ઉદ્દીપક બને છે.
શ્રી પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે તેમનું સમગ્ર જીવન સમાજની સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે સમર્પિત કર્યું છે. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલજીએ પણ ‘સેવા અને સમર્પણ અભિયાન’ ના માધ્યમથી પ્રત્યેક કાર્યકર્તાને સમાજ સેવામાં હરપળ સમર્પિત અને સદૈવ તત્પર રહેવા પ્રેરિત કર્યા છે. આ ભાજપાની પરિપાટી અને સંસ્કૃતિ પણ રહી છે.
શ્રી પટેલે અંતમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગોને ‘ દિવ્યાંગ ‘ નામાભિધાન દ્વારા એક સન્માનજનક ભેટ આપી છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોએ દિવ્યાંગોને તેમના રોજીંદા જીવનમાં ઉપયોગી સહાયક સાધનો વિના મૂલ્ય વિતરણ કરીને તેમના જીવનને સરળ અને સુખરૂપ બનાવવાના નિરંતર પ્રયાસો કર્યા છે. આપણે સૌ આવા સેવા કાર્યોના માધ્યમથી આપણી સામાજિક જવાબદારીનું વહન કરીએ અને સમાજના પ્રત્યેક હિસ્સાને સન્માન અને યોગ્ય દરજ્જો પ્રદાન કરીએ.