ભાજપનાં ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી
અમદાવાદ
ભાજપના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું આજે દુખદ નિધન થયું છે, ગઇકાલથી તેમની તબિયત ખૂબ જ નાજુક હતી અને ભાજપનાં દિગ્ગજ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.આજે સવારે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે.
કોણ છે ધારાસભ્ય ડો. આશા પટેલ ?
2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને 2019માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી તેઓ નારાજ હતા. કોંગ્રેસમાં આંતર વિગ્રહ,જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. પાછળથી ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં APMC ઊંઝામાં પણ તેઓએ દબદબો બનાવવામાં સફળતા મેળવી હતી.
ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને કેમેસ્ટ્રીમાં Ph.d થયેલા ડો.આશા પટેલ ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલના નિધનથી મત વિસ્તાર ઊંઝા જ નહિ પણ,સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.