……………
ગાંધીનગર
ગાંધીનગર અખબાર ભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં આપ ના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે સોમવારે 20મી ડિસેમ્બરે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ હેડ ક્વાર્ટર કમલમ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનને અયોગ્ય ગણાવ્યું હતું. એટલું જ નહીં, વિરોધ કરવા માટે સરકારી ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવાની સોનેરી સલાહ આપી હતી. ઉપરાંત હર્ષ સંઘવીની હેડકલાર્કની પરીક્ષા રદની જાહેરાતને સહર્ષ સ્વીકરતા હોય તેમ તપાસથી સંતોષ માન્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સાહેબથી સંબોધન કર્યું હતું. તપાસમાં જે જવાબદાર નીકળે તેની સામે કડક પગલાં ભરવા જોઈએ એવી માગ કરી હતી. પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટીની માગ કરનાર યુવરાજસિંહે એકાએક ‘હર્ષ’ના બોલ બોલી કહ્યું કે અસિત વોરાની સામે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એટલું જ નહીં, સરકારની તપાસ કામગીરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કુનેહને વખાણી હતી તેમજ તપાસ નિષ્પક્ષ હોવાનું રટણ કર્યું હતું . માર્ચ મહિનાની પરીક્ષાની તારીખ પણ સરકારે નક્કી કરવી જોઈએ.હેડ ક્લાર્ક પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ એસ.આઈ.ટી.દ્વારા કરવામાં આવે તેવી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ કરીશું જેથી બધી જ બાબતો સાફ ઉજાગર થાય.સંડોવાયેલ પ્રિન્ટિંગ પ્રેસના માલિક પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ યુવરાજે કરી હતી.ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે અને દોષિતોને છોડવામાં નહિ આવે તેવી સંઘવી સાહેબની વાતને અમે સ્વીકારીએ છીએ .ગુજરાતમાં પેપર છપાતા હોવાથી ગોપનીયતા જળવાતી ન હોવાથી હવે પછીના તમામ પ્રશ્નપત્રો ગુજરાત બહાર સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય તેની મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી જાણ કરીશું.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઇએ.કેમ કે પ્રિન્ટિંગ પ્રેસ સંડોવાયેલું હોવાથી ક્યાંક ને ક્યાંક હવે ગૌણ સેવા પસંદગી મંડળ ની પણ વ્યક્તિગત જવાબદારી બને છે.મંડળે પ્રિન્ટિંગ પ્રેસ સમક્ષ ફરિયાદ નોંધાવવાની જરૂર છે. એવું મને લાગે છે.હેડકલાર્ક ની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓનો ટ્રાવેલિંગ ખર્ચ પણ ગૃહ રાજ્ય સરકારે ઉઠાવવાની માંગ યુવરાજે કરી હતી.