મહારાષ્ટ્ર રાજ્યમાં આખરે સરકાર રચવા અંગે ત્રણ પક્ષો વચ્ચે સમજૂતી સધાઇ હતી. મુખ્ય પ્રધાન શિવસેનાનો હશે પરંતુ આદિત્ય ઠાકરે મુખ્ય પ્રધાન નહીં બની શકે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે લાંબી લાંબી ચર્ચા બાદ એક સમજૂતી સધાઇ હતી. આ સમજૂતી મુજબ મુખ્ય પ્રધાન શિવસેનાનો રહેશે. બાકીના બંને પક્ષોને નાયબ મુખ્ય પ્રધાન મળશે. આ ત્રણે હોદ્દા પૂર્ણ સમય માટેના હશે. ત્રણે પક્ષોએ મિનિમમ કોમન પ્રોગ્રામ અન્વયે સમજૂતી સાધી હતી. જે ફોર્મ્યુલા નક્કી થઇ છે એમાં મુખ્ય પ્રધાનપદ ઉપરાંત શિવસેનાને 14, એનસીપીને 14 અને કોંગ્રેસને બાર પ્રધાનપદ મળશે. ઉપરાંત બંને સાથી પક્ષોના નાયબ મુખ્ય પ્રધાન પણ હશે. યુવાનો અને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને મિનિમમ કોમન પ્રોગ્રામ ઘડવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો. જો કે શિવસેનાએ કટ્ટર હિન્દુવાદની વાતો પડતી મૂકવી પડશે. શિવસેનાએ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માગણી કરી છે તો એનસીપી અને કોંગ્રેસે મુસ્લિમોને પાંચ ટકા રિઝર્વેશન આપવાની માગણી કરી હતી. આ અઠવાડિયે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે બેઠક યોજાવાની શક્યતા છે એમ પણ સૂત્રોએ કહ્યું હતું.