બાંગ્લાદેશ ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે 150 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશ પ્રથમ દિવસે ભારતીય ફાસ્ટ બોલર સામે ઝઝૂમ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 3 વિકેટ, જયારે રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે મુશફિકર રહીમે સર્વાધિક 43 રન કર્યા હતા, જયારે કેપ્ટન મોમિનુલ હકે 37 રનનું યોગદાન આપ્યું હતું. જોકે તે બંનેના આઉટ થયા પછી ટીમ પાણીમાં બેસી ગઈ હતી અને તેમણે પોતાની અંતિમ 5 વિકેટ 10 રનમાં ગુમાવી હતી. અશ્વિને આ ઇનિંગ્સમાં ઘરઆંગણે 250 વિકેટ પૂરી કરી હતી.
ભારતે ટીમ હેટ્રિક લીધી હતી. ટી-બ્રેક પહેલાના બે બોલમાં મોહમ્મદ શમીએ સતત બે બોલમાં મુશફિકર રહીમ અને મહેંદી હસનને આઉટ કર્યા હતા. તે પછી ત્રીજા સેશનના પહેલા બોલે લિટન દાસ 21 રને ઇશાંતની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં કોહલીના હાથે આઉટ થયો હતો. આમ ભારતે 53.5, 53.6 અને 54.1 ઓવરમાં વિકેટ ઝડપીને ટીમ હેટ્રિક લીધી હતી.
મુશફિકર રહીમ 43 રને મોહમ્મદ શમીની બોલિંગમાં બોલ્ડ થયો હતો, તેના પછી મહેંદી હસન પણ પ્રથમ બોલે એલબીડબ્લ્યુ થયો હતો. શમી પોતાની આગામી ઓવરમાં હેટ્રિક પર હશે. મહમ્મદુલ્લાહ 10 રને અશ્વિનની બોલિંગમાં સ્વિપ શોટ રમવા જતા બોલ્ડ થયો હતો. તેની પહેલા કેપ્ટન મોમિનુલ હક અશ્વિનના અંદર આવતા બોલને છોડતા બોલ્ડ થયો હતો. તેણે 80 બોલમાં 6 ચોક્કાની મદદથી 37 રન કર્યા હતા.
અશ્વિને હકને આઉટ કરીને ઘરઆંગણે 250મી ટેસ્ટ વિકેટ લીધી હતી. તેણે પોતાની 42મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવીને સૌથી ઝડપી આ માઈલસ્ટોન સુધી પહોંચવામાં મુથૈયા મુરલીધરનની બરોબરી કરી છે. શ્રીલંકાના પૂર્વ સ્પિનરે પણ 250 વિકેટ લેવા 42 ટેસ્ટ લીધી હતી. અશ્વિન પહેલા ભારત માટે અનિલ કુંબલે અને હરભજન સિંહ ઘરઆંગણે 250 વિકેટ ઝડપી ચૂક્યા છે. કુંબલેએ 43 અને હરભજને 51 ટેસ્ટમાં 250 વિકેટનો આંક વટાવ્યો હતો.