પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્યના યુવાનોના ભવિષ્ય માટે રાજ્ય સરકાર હર હંમેશ પારદર્શી છે અને રહેશે જ. રાજ્યના ઊર્જા વિગાગ હસ્તકના જેટકો દ્વારા ચાલી રહેલી જુનિયર ઇજનેરની પરીક્ષા સંદર્ભે જે આક્ષેપો થયા છે, તે તમામ આક્ષેપોની આયોજન સંપૂર્ણ પારદર્શીતાથી તપાસ કરાશે અને આક્ષેપોમાં જો તથ્ય જણાશે તો કસુરવારોને રાજ્ય સરકાર બક્ષસે નહિ.
મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં યોજાઇ રહેલ જુનિયર એન્જીનીયરની આ પરીક્ષાઓ સંદર્ભે મીડિયાના માધ્યમો દ્વારા ગેરરીતિના જે આક્ષેપો જાણવા મળ્યા છે તે સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્વરિત તપાસના આદેશો આપ્યા છે.અને આગામી તા.૭મી જાન્યુઆરી સુધી યોજાનાર પરીક્ષા વધુ સંપૂર્ણ પારદર્શી રીતે યોજવા કડક આદેશો કર્યા છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે થયેલા આક્ષેપો અંગે જે લોકોએ જાણકારી આપી છે તેને આવકારતા કહ્યુ કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણ તત્વોને રાજ્ય સરકાર છોડવા માંગતી નથી ભુતકાળમાં પણ અમે ચાર્જશીટ સહિતના કડકમાં કડક પગલાઓ લીધા છે એટલે ભવિષ્યમાં પણ આવુ કદી ન બને એ માટે અમારૂ મન હંમેશ ખુલ્લુ છે. ક્યાંય પણ આવુ બનતુ હોય તો રાજ્ય સરકારનું ધ્યાન દોરવા તેમણે અપીલ પણ કરી છે.
મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યુ કે જેટકો દ્વારા રાજ્યમાં જુનિયર એન્જિનિયરની સીવીલ અને ઇલેક્ટ્રીકલના સંવર્ગ માટેની ૩૫૨ જગ્યાઓ માટે આજથી પરીક્ષા શરૂ થઇ છે. ૨૨ સેન્ટરો પર આ પરીક્ષા યોજાઇ રહી છે અને અંદાજે ૩૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા પારદર્શી રીતે યોજાય તે માટે CCTV તથા વીડિયોગ્રાફી ધ્વારા સર્વેલન્સ સાથે પરીક્ષા યોજાઇ રહી છે. આ પરીક્ષા ઓનલાઇન લેવાઇ રહી છે. જેમાં મેરીટના આધારે પસંદગી થનાર છે. ઊર્જા મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પરીક્ષા પારદર્શી રીતે યોજાય એ માટેનું નક્કર આયોજન કરાયુ છે તેમ છતાંય આવા આક્ષેપો થયા છે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ તપાસ કરશે અને આગામી તા.૭મી જાન્યુઆરી સુધી પરીક્ષા સંપૂર્ણ પારદર્શી રીતે યોજાય એ માટે આયોજન કરાયુ છે.