રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા બંને સાથે મે મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે
અમદાવાદ
ગુજરાતમાં ચાલુ વર્ષે રાજ્યના 17 આઇએએસ અને સાત આઇપીએસ ઓફિસરો વયનિવૃત્ત થવાના છે જેમાં રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાનો પણ સમાવેશ થાય છે, એટલે કે રાજ્યના વહીવટી વડા અને રાજ્યના પોલીસ વડા બન્ને સાથે મે મહિનામાં નિવૃત્ત થઇ રહ્યાં છે.
ગુજરાતમાં નવા વર્ષે નિવૃત્ત થનારા ટોચના અધિકારીઓમાં 1986ની બેચના ચીફ સેક્રેટરી પંકજકુમાર (મે), ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો.રાજીવકુમાર ગુપ્તા (મે) અને ડેપ્યુટેશન પર દિલ્હીમાં ફરજ બજાવી રહેલા 1988 બેચના અનિતા કરવલ (નવેમ્બર) નો સમાવેશ થાય છે. 1986ની બેચના ગુજરાત કેડરના અન્ય એક અધિકારી વિપુલ મિત્રા કે જેઓ જુલાઇ 2023માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે.
ગુજરાત કેડરના 1987 બેચના અધિકારી એલ ચુઆંગો કે જેઓ માર્ચ 2022માં નિવૃત્ત થવાના છે તેમને મિઝોરમમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ તેઓ તેમના હોમટાઉનમાં સુપ્રીમ પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે પંકજકુમાર મે 2022માં નિવૃત્ત થયા પછી હાલ રાજ્યના ગૃહ વિભાગમાં અધિક મુખ્યસચિવ તરીકે ફરજ બજાવી રહેલા 1987ની બેચના રાજકુમાર જૂન 2022માં રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થશે. તેઓ જાન્યુઆરી 2025માં નિવૃત્ત થવાના હોવાથી તેમની પાસે ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 32 મહિના છે, એટલે કે તેઓ પોણા ત્રણ વર્ષ સુધી આ પદ પર રહી શકશે.અન્ય ઓફિસરો કે જેઓ 2022મા નિવૃત્ત થઇ રહ્યાં છે તેમાં એમએન ગઢવી (ફેબ્રુઆરી), ડીજી પટેલ અને એમડી મોડિયા (એપ્રિલ), એચસી મોદી (જૂન), એસએ પટેલ, શરીફ હુડા (જુલાઇ), વીકે અડવાણી (સપ્ટેમ્બર), નલિન ઉપાધ્યાય, એચકેપટેલ અને એનએ નિનામા (ઓક્ટોબર), મનોજ દક્ષિણી (નવેમ્બર) તેમજ જેબી પટેલ અને જીસી પરમાર (ડિસેમ્બર) નો સમાવેશ થાય છે.
બીજી તરફ ગુજરાતના પોલીસ દળના સાત આઇપીએસ અધિકારીઓ 2022ના વર્ષમાં નિવૃત્ત થઇ રહ્યાં છે જેમાં હાલના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાનો પણ સમાવેશ થાય છે. તેઓ આગામી મે મહિનામાં નિવૃત્ત થવાના છે. વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી સરકાર તેમના એક્સટેન્શન માટે ભલામણ કરી શકે તેમ છે. જો તેમ થાય તો તેઓ વિધાનસભાની ચૂંટણી સુધી આ પદ પર રહી શકે છે.
અન્ય પોલીસ અધિકારીઓમાં ટીએસ બિસ્ટ અને એમએસ ભાભોર જૂન મહિનામાં, સતીષચંદ્ર વર્મા અને બી આર પાંડોર સપ્ટેમ્બરમાં, આર એસ યાદવ ફેબ્રુઆરીમાં તેમજ પ્રવિણ સિંહા એપ્રિલમાં નિવૃત્ત થવાના છે. ગુજરાત કેડરના નિવૃત્ત થનારા આઇપીએસ અધિકારીઓની ઘટતી જતી સંખ્યા જોતાં હવે રાજ્યના પોલીસ દળમાં નવું બ્લડ આવ્યું છે. યંગ પોલીસ ઓફિસરો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી રહ્યાં છે. ગુજરાતમાં આઇએએસની જેમ હવે પોલીસની કેડર પણ યુવાન બનતી જાય છે.
પાછલા પાંચ વર્ષના આંકડા જોઇએ તો આઇપીએસ ઓફિસરોની નિવૃત્તિનો આંકડો 15 થી 18 ઓફિસરોનો હતો પરંતુ હવે તે ઘટીને સાત થયો છે, એટલે કે અડધો થઇ ગયો છે. રાજ્યના પોલીસ વિભાગમાં સિનિયર ડ્યુટી પોસ્ટ 114 અધિકારીઓની છે. 45 સેન્ટ્રલ ડેપ્યુટેશન, 28 સ્ટેટ ડેપ્યુટેશન પોસ્ટ છે. ડાયરેક્ટર રિક્રુટમેનટની પોસ્ટ 145 મળીને કુલ ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ 208 ઓફિસરોની છે.