અમદાવાદ
શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ અને શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ દ્વારા નિર્મિત માઁ અન્નપૂર્ણા ભોજનાલયનું રાજ્યનાં ગૃહ મંત્રી હર્ષ સંધવી અને સાંસદ નરહરિ અમીનની ઉપસ્થિતિમાં વરદ હસ્તે આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રવચન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યુ હતું કે, તમામ દાતાઓએ યોગદાન આપવાથી માઁ અન્નપૂર્ણા ભોજનાલય સાથે લોકોની આશાઓ જોડાયેલી છે. કોરોના કાળમાં પશ્ચિમનાં દેશોનાં અખબારોએ કાગારોળ મચાવી હતી કે આ કોરોનાને કારણે ભારતમાં લાખો લોકો ભૂખે મરી જશે.
મહિનાઓ સુધી ભારતમાં લોકડાઉન રહ્યું અનેક પરિવારોથી લોકો દૂર હતા ત્યારે એકેએક લોકોને ભોજન આપવાનું કામ ગુજરાતીઓ કરી રહ્યા હતા. આપણાં દેશની માનવતાની જેમને ખબર નથી તેવા લોકો ભારતની ટીકા કરતાં હોય છે. ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને છે. કારણ કે ગુજરાતમાં આવેલ અનેક આવી સંસ્થાઓ આગવું કામ કરે છે. માઁ અન્નપૂર્ણા મંદિરે દર્શન કરવા આવતા અને અહીંથી પસાર થતાં લોકોને આ ભોજનાલયમાં ફક્ત રૂ. 20 માં સ્વાદિસ્ટ ભોજન આપવામાં આવશે અને જેનો ખર્ચ દાતાઓ ભોગવનાર છે. મોંધવારીનાં સમયમાં મહેનત કરનાર રોજના 500 લોકોને આ ભોજનાલયમાં ભોજન આપવામાં આવશે.આ સંસ્થા દ્વારા રૂ. 25 કરોડનાં ખર્ચે 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી અદ્યતન હોસ્ટેલ બનાવવામાં આવી છે. ગામડામાં રહેતા ખેડૂતોનાં પુત્રો અમદાવાદ આવીને રહીને ભણી શકે આવી વ્યવસ્થા ગુજરાતનાં લોકો જ કરી શકે. 2200 માણસો બેસી શકે તેવા શારદામણી એરકન્ડિશન્ડ કોમ્યુનિટિ હોલમાં મધ્યમ વર્ગનાં પરિવારનાં લગ્નો વગેરે કરવા માટે લગ્નની તમામ સામગ્રી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર આવી સંસ્થાઓનો આભાર માને છે. કારણ કે ગુજરાતને દેશ ભરમાં આગળ રાખવા માટે ગુજરાતની માનવતા આગળ રહી છે. ગુજરાતમાં કોઈને ભૂખ્યા ન જવાદે દેવી સંસ્કૃતિ છે.
ગુજરાતનાં યુવકોને આઇ.ટી ક્ષેત્રે નવી રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર નવી આઇ.ટી પોલિસી લાવી છે. વિદેશમાં કે બીજા રાજ્યોમાં જવું ન પડે તે માટે આઇ.ટી કંપનીઓ ગુજરાત તરફ વળશે.
ગુજરાતમાં બહેનોની સલામતી માટે સર્વે કરાવીને બહેનોનાં સૂચનો મેળવ્યા છે. 28000 કરતાં પણ વધુ બહેનોએ પોતાના કિમતી સૂચનો આપ્યા છે. જન ભાગીદારી થી કઈ દિશામાં કામ થઈ શકે તેનું આ ઉદાહરણ છે.
શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજનાં પ્રમુખ અને સાંસદ નરહરિ અમીને પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યુ હતું કે, માઁ અન્નપૂર્ણા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગુજરાતનાં પનોતા પુત્ર અને દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે મંદિરમાં દર્શનાર્થે આવતા અને અત્રેથી પસાર થતાં લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેવું સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીના આ સૂચનનો આ ટ્રસ્ટ દ્વારા અમલીકરણ કરવા માટે આજે માઁ અન્નપૂર્ણા ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. 45 લાખનાં ખર્ચે આ ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રૂ 21 લાખનું દાન શ્રીમતી શ્રીદેવી હરીનભાઇ ચોકસી અને આદિત્ય હરીનભાઈ ચોકસી દ્વારા આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બીજા દાતાઓ દ્વારા પાંચ પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. એવા અન્નપૂર્ણા ભોજનાલયનાં અન્ય દાતાઓ બીપીનભાઈ પટેલ, એન. પી. પટેલ, હિમાંશુભાઈ પટેલ, વરૂણ નરહરિ અમીન, નાગજીભાઇ શિંગાળા અને મધુભાઈ વસાણીનું શાલ ઓઢાડીને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સન્માન કર્યું હતું.આ ઉપરાંત 25 દાતાઓ દ્વારા દરવર્ષે એક-એક લાખ રૂપિયા આપવામાં આવશે.
માઁ અન્નપૂર્ણાધામ છાત્રાલયમાં 600 વિદ્યાર્થીઓ રહે છે બહારગામ રહેતા અનેક વિધાર્થીઓ જુદા-જુદા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરે છે. શારદામણી કોમ્યુનિટિ હૉલ માં લગ્નની સમગ્ર સામગ્રી સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે.શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજનાં ચેરમેન રવજીભાઈ વસાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ દાતાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અડાલજ ગામના સરપંચ શ્રીમતી બેનિતાબેન પટેલ તેમજ ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડીંગ કમિટી મેમ્બર જશુભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટ તેમજ વિરોધ પક્ષનાં નેતા અંકિત બારોટ સહિતનાં નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.