અમદાવાદ
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવી રહ્યું છે જેમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે 11ને જનમટીપની સજા ફટકારવામાં આવી છે.શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે સજાનું એલાન કર્યુ છે. 1થી 18 નંબરના દોષિતોને ફાંસીની સજા કરવામાં આવશે. ઉપરાંત 27,28, 31, 36, 37, 38 39, 40, 42, 44, 45, 47, 49, 63, 69, 70, 75 નંબરના આરોપીઓને પણ ફાંસીની સજા આપવામાં આવશે.
ઉપરાંત દરેક દોષિતને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડ ન ભરે તો વધુ 2 મહિનાની સજા ભોગવવાની રહેશે. અગાઉ 9 ફેબ્રુઆરીએ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો અને 2008માં અમદાવાદને રક્તરંજિત કરનારા 49ને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે કુલ 78માંથી 49 આરોપીઓને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) અંતર્ગત દોષિત જાહેર કર્યા હતા. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત UAPA અંતર્ગત 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ 49 પૈકીના 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરી હોવાથી તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે બાકીના 29 આરોપીઓને કોર્ટે શંકાના આધારે નિર્દોષ જાહેર કર્યા છે.આતંકીઓએ 2008માં અમદાવાદમાં એક પછી એક 21 સિરિયલ બ્લાસ્ટ કરીને અમદાવાદમાં રીતસર આતંક મચાવ્યો હતો અને નદીપારના 20 વિસ્તારો શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યા હતા. 26મી જુલાઇ 2008, શનિવારના દિવસે આ ઘટના બની હતી. શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 56 નિર્દોષ નાગરિકોની બલી ચઢી, તો 244 જેટલા નાગરિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.