કૉંગ્રેસના લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ પાર્ટીમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારમાં કૉંગ્રેસ પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. અહીં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ 200 કાર્યકરો સાથે કૉંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.હીરાભાઈ પટેલ હવે કૉંગ્રેસથી નારાજ થઇને કૉંગ્રેસમાં કામ કરતા અન્ય સક્રિય કાર્યકરો અને પાર્ટીના પૂર્વ હોદેદારો સહિત 200 લોકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. હીરાભાઈ પટેલ આગામી 21/2/2022ના રોજ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે. હીરાભાઈ પટેલ 2007થી 2012 અને 2012થી 2017 એમ બે ટર્મ, એટલે કે 12મી અને 13મી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. .
તાજેતરમાં કૉંગ્રેસના નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમારે કૉંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપતા પહેલા જયરાજસિંહ એક સૂચક ટ્વીટ કર્યું હતું. લુણાવાડાના હીરાભાઈ પટેલ કૉંગ્રેસને રામ રામ કરી રહ્યા છે ત્યારે જયરાજસિંહ પરમારનું વધુ એક સૂચન ટ્વીટ સામે આવ્યું છે. જેમાં તેમણે હિન્દીમાં લખ્યું છે કે, “કાલ કલકત્તા વાલી, તેરા વચન ન જાય ખાલી. પાવાગઢ મહાકાળીના ચરણ સ્પર્શ કરીને વાયા લુણાવાડાથી કોબા, ગાંધીનગર.” આ સાથે જ જયરાજસિંહ પરમારે પોતાના ટ્વીટમાં #Episode2 એવું હેઝટેગ પણ મૂક્યું છે.કૉંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ હવે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે.