ગુજરાતમાં પહેલા વાઇબ્રન્ટ મહોત્સવ અને હવે ડીફેન્સ એક્સ્પો રદ થતા અમદાવાદની હોટલોને અંદાજે રુા. 500 કરોડનો બિઝનેસ ખોવો પડશે. રાજ્યના મેગા ઇવેન્ટ કોરોના અને યુક્રેન-રશિયા કટોકટીને કારણે રદ કરવા પડયા છે અને હવે જે રીતે આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે જેથી હવે વાઇબ્રન્ટ શો કે ડીફેન્સ એક્સ્પો યોજાશે કે કેમ તે પ્રશ્ન છે તેના કારણે ગુજરાતમાં ઔદ્યોગિક રીતે મોટી અસર થશે પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં ફાઈવ સ્ટાર હોટલોએ આ બંને મહોત્સવ માટે પૂરતી તૈયારી કરી હતી અને હોટલોને જંગી ખર્ચ કરીને નવેસરથી સજાવી હતી.દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ તથા અનેક દેશોનાં રાજદૂતો સહિતનો ડીપ્લોમેટીક સ્ટાફ આવવાનો હતો પરંતુ પહેલા વાઇબ્રન્ટ મુલતવી રહ્યું અને હવે રદ થયું છે તો ડીફેન્સ એક્સ્પોનું ભાવિ પણ અનિશ્ર્ચિત બની ગયું છે જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરની હોટલોને મોટો બિઝનેસ ગુમાવવો પડયો છે. અગાઉ વાઇબ્રન્ટ મહોત્સવ આખરી ઘડીએ રદ થયો હતો અને સરકારના બુકીંગ કેન્સલ થયા હતા.હવે ડીફેન્સ એકસ્પોમાં પણ તેવી જ સ્થિતિ સર્જાઇ છે એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં માર્ગોનું ફરી એક વખત રિનોવેશન કરાયું હતું. સીસીટીવી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે પણ રુા. 100 કરોડ જેટલો ખર્ચો કરી દીધો હતો. એટલું જ નહીં સરકાર દ્વારા એરલાઇનનું બુકીંગ પણ કરવામાં આવ્યું હતું અને હવે એરલાઇન તે રિફંડ આપે તેવી શક્યતા નથી.સરકારે 150 જેટલી લકઝરીયસ કાર ભાડે રાખવાના ઓર્ડર પણ આપી દીધા હતા. 70 દેશોના પ્રતિનિધિઓ ડીફેન્સ એક્સ્પોમાં આવવાના હતા તેમના માટે ઓડી, મસિડીઝ, બીએમડબલ્યુ સહિતની આધુનિક કારો ભાડે કરવાના કરાર કરવામાં આવ્યા હતા અને તે પણ રદ થતા સરકારને જંગી નુકશાની જશે.