ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આવતીકાલે ૨૬ માર્ચ, ૨૦૨૨ ના રોજ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ જુદી જુદી વિધાનસભા અન્વયે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, હરિયાળું અને પ્રાકૃતિક ખેતી યુક્ત બને તે દિશામાં શ્રી અમિતભાઇ શાહ દ્વારા સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ સંદર્ભે શ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે સવારે ૦૯:૩૦ કલાકે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ અને ગરીબ – જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવશે.
આ ઉપરાંત શ્રી શાહ દ્વારા કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે વિવિધ કાર્યોના ઇ ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ – નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે અને જાહેર સભાને પણ સંબોધશે. ત્યારબાદ તેઓ આરોગ્ય કર્મીઓના આરોગ્ય તપાસ કાર્યક્રમ સંદર્ભે સબ સેન્ટરની મુલાકાત પણ લેશે.
ત્યારબાદ શ્રી અમિતભાઇ શાહના શુભ હસ્તે બપોરે ૧૧:૪૫ કલાકે ભારતમાતા ટાઉનહોલ, કલોલ ખાતે જાહેર સભાના સ્વરૂપમાં કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. બાદમાં શ્રી શાહ એ.એમ.સી. દ્વારા ડી.પી.એસ. સ્કૂલ, બોપલ ખાતે નવનિર્મિત ઇકોલોજી પાર્કની મુલાકાત લેશે.
બાદમાં શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતમાં સાંજે ૦૫:૦૦ કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એમ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ જાહેર સભા સ્વરૂપે યોજાશે.