બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે રજૂઆત કરવા પહોંચેલા 100થી વધુ ઉમેદવારો અને તેમને સમર્થન આપનાર કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતની અટકાયત કરાઈ હતી અને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસ પુરાવા સાથે કર્યો હતો. જ્યારે આ મામલે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો. ત્યારે રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે, પોલીસે 450થી વધુ રજૂઆત કરવા ગયેલા ઉમેદવારોની અટકાયત કરી હતી. મળતી માહિતી અનુસાર તાજેતરમાં યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે મહેસાણા, પાટણ, રાજકોટ, વડોદરા, ભરૂચ સહિતના વિસ્તારના 450થી વધારે ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા જતા હતા ત્યારે તેમની અટકાયત કરાઈ હતી. તમામને બસમાં બેસાડીને હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. પોલીસ તેમની વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધશે તેવું જાણવા મળ્યું છે. સાથે જ કર્મયોગી ભવનમાં આઈકાર્ડ વગર કોઈને પ્રવેશવા દેવાતા નથી. 750 પોલીસ કર્મીઓ કાફલો ખડકી દેવાયો છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગાંધીનગર રજૂઆત કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરવાની શરૂઆત કરતા ગાંધીનગર રજૂઆત ઉમેદવારોમાં દોડધામ મચી હતી. પોલીસ અટકાયતથી બચવા માટે જ્યાં જગ્યા મળી ત્યા દોડતા દેખાયા હતા. જ્યારે ભાગતા ઉમેદવારોને પોલીસે દોડાવી દોડાવીને પકડ્યા હતા.