દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના નાગરિકોને 16 ડિસેમ્બરથી ફ્રી વાઇફાઇ આપાવાની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં દરેક બસ સ્ટેન્ડ પર 3 હજાર વાઇફાઇ હોટસ્પોટ લાગશે. જ્યારે સમગ્ર દિલ્હીમાં કુલ 11 હજાર હોટસ્પોટ લાગશે. દરેક યુઝરને દર મહિને 15 જીબી ફ્રી ડેટા મળશે. તેમણે જાહેરાત કરી કે કુલ 11 હજાર વાઇફાઇ સ્પોટ સ્થાપિત કરવામાં આવશે. બસ સ્ટોપ પર 4 હજાર, બજાર અને અન્ય સ્થાનો પર 7 હજાર હોટસ્પોટ સ્થાપિત કરાશે. પહેલા 100 હોટસ્પોટનું ઉદ્ઘાટન 16 ડિસેમ્બરે કરવામાં આવશે. તેના પર લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. ત્યારબાદ દર અઠવાડિયે 500 વાઇફાઇ હોટસ્પોટ જોડવામાં આવશે અને 6 મહિના અંદર 11 હજાર હોટસ્પોટ સ્થાપિત કરી દેવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે અમે 2015ની વિધાનસભા ચૂંટણીમાં ફ્રી વાઇફાઇ આપવાનો વાયદો કર્યો હતો. ફ્રી વાઇફાઇ આપવાની સાથે જ અમારા ચૂંટણીના વાયદા પૂરા થઇ ગયા અને આવુ કરનારી દેશની પ્રથમ સરકાર આમ આદમી પાર્ટીની હશે. કેજરીવાલે કહ્યું કે ફ્રી વાઇફાઇથી વિદ્યાર્થીઓને સુવિધા મળશે. આ યોજનામાં દરરોજ દોઢ જીબી ફ્રી ડેટા મળશે.