વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા છે. ગાંધીનગરમાં ના પ્રવેશવાની શરતે યુવરાજસિંહને જામીન આપવામાં આવ્યા છે. પોલીસ પર ગાડી ચઢાવવાના આરોપમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. આજે યુવરાજસિંહે કરેલી જામીન અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી. આ સુનાવણીમાં કોર્ટે યુવરાજસિંહને જામીન આપવનો આદેશ કર્યો હતો અને જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં ના પ્રવેશવાની શરતોને આધારે જામીન આપ્યા હતા.આ સાથે કોર્ટની મંજુરી વગર યુવરાજસિંહ ગુજરાત છોડીને બીજા રાજ્યમાં નહી જઈ શકે.યુવરાજસિંહ જાડેજાની જામીન અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 5 થી 5.30 વાગ્યા સુધીમાં સાબરમતી જેલમાંથી યુવરાજસિંહ જાડેજા જેલ મુક્ત કરવામાં આવશે.5 એપ્રિલના રોજ ધરપકડઃ
ગત 5 એપ્રિલના રોજ ગાંધીનગરમાં વિદ્યા સહાયકોની ભરતીમાં ઉમેદવારોની માંગ સાથે યુવરાજસિંહ જાડેજા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પોલીસ યુવરાજસિંહની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યા પ્રમાણે, યુવરાજસિંહ જાડેજા પોતાની ગાડી લઈને ધરણાં સ્થળ પરથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. યુવરાજસિંહ પોતાની ગાડીમાં ભાગી રહ્યા હતા ત્યારે એક પોલીસ કર્મચારી તેમની ગાડીની અડફેટે આવ્યો હતા. ત્યાર બાદ યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી હતી.