ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી
ગૃહ વિભાગના અધિકારીઓ અને મંત્રી વચ્ચે મુસદ્દાને મહોર લાગવાની બાકી
અમદાવાદ
ગુજરાત પોલીસમાં લાબા સમયથી એક કચવાટ રહ્યો છે કે તેમના કામના પ્રકાર સામે પગાર ધોરણ ઓછુ અને બહુ જુનુ છે જેમાં વર્ષોથી કોઈ સુધારો થયો નથી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે હકારાત્મક નિર્ણય લેવા અંગે ગૃહ વિભાગને આદેશ આપ્યો હતો. પગાર ધોરણમાં કેવી રીતે સુધારો કરવો, કેટલો કરવો જેના કારણે રાજ્યની તીજોરી ઉપર કેટલુ ભારણ આવશે તે દિશામાં ગૃહ વિભાગે લાંબી કવાયત કરી હતી, જે કામગીરી હવે પુર્ણ થવાની આરે છે. સુત્રોની જાણકારી પ્રમાણે આગામી સપ્તાહ-દસ દિવસમાં ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી ગુજરાત પોલીસને સારા સમાચાર આપી શકે તેવા સંકેતો મળી રહ્યા છે.ગૃહરાજ્ય મંત્રીની સુચના પછી ગૃહ વિભાગના અધિકારીઓએ અન્ય રાજ્યની પોલીસના પગાર ધોરણો ઉપરાંત વિવિધ બાબતોનો અભ્યાસ કર્યો હતો જેના આધારે નવા પગાર ધોરણના મુસદ્દાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, આ મુદ્દે હવે ગૃહ વિભાગના અધિકારીઓ અને મંત્રી વચ્ચે મુસદ્દાને મહોર લાગ્યા પછી ગૃહમંત્રી સંઘવીએ પોલીસ માટે આનંદના સમાચારની જાહેરાત કરશે.ગુજરાતના શિક્ષણ વિભાગ પછી સૌથી વધુ સંખ્યાબળ ગુજરાત પોલીસનું છે, પોલીસને રોજ જ અસામાન્ય સંજોગોની જેમ નોકરી કરવી પડે છે. પોલીસની દલીલ અને માગણી હતી કે ઘર્ણા વર્ષોથી તેમના પગાર ધોરણો સુધર્યા નથી, તેમજ અન્ય રાજ્યની પોલીસની સરખામણીમાં ગુજરાત પોલીસનો પગાર ઓછો છે, તેથી આ મામલે સરકારે વિચારવુ જોઈએ.